- નામચીન બુટલેગર નિલુ સિંધી સહિત 7 શખસને વોન્ટેડ જાહેર
- સ્થળ પરથી પેમેન્ટ સ્વીકારવા માટે વપરાતા બે QR સ્ટીકર પણ મળી આવ્યા
શહેરના મકરપુરા વિસ્તારમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરાતું હોવાની માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. દારૂનું વેચાણ કરતી એક મહિલા સહિત ત્રણ બુટલેગરોને 18 હજારના દારૂનો જથ્થો તેમજ વ્હિકલ, મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 5.73 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે નામચીન બુટલેગર નિલુ સિંધી સહિત 7 શખસને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, મકરપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા ઘાઘરેટિયાના કૃષ્ણનગરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઘાઘરેટીયાના કૃષ્ણનગરમાં દરોડો પાડ્યો હતો. જ્યાં એક મહિલા સાથે બે વ્યક્તિ દારૂનું વેચાણ કરતા ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા 18,528નો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને બૂટલેગર મહિલા સુમિત્રા વિપુલભાઈ પંચાલ તેમજ અનિલ ગંભીરભાઈ બારીયા, આશિષ હસમુખભાઈ બારીયા અને સમીર કંચનભાઈ વસાવાની ધરપકડ કરી હતી.
ખૂલ્લેઆમ દારૂનું વેચાણ કરતી બૂટલેગર સુમિત્રા પંચાલની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો વારસિયાના લાલચંદ ઉર્ફે લાલુ હેમનદાસ ખાનાણી પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. બૂટલેગર સુમિત્રાએ જણાવ્યું હતું કે, મારા પતિ વિપુલને દારૂના જથ્થાની જરૂર હોય ત્યારે લાલચંદના માણસો કાલુ ટોપીને ઓર્ડર લખાવે છે. જે બાદ નામચીન બુટલેગર નિલુ સિંધી દ્વારા દારૂના જથ્થાની ડિલિવરી કરવામાં આવે છે અને દારૂના જથ્થાનો હિસાબ અમે લાલચંદના માણસ પલ્લી ઉર્ફે નરેશને આપીએ છે. આ દારૂના જથ્થાની હેરાફેરી કરવા માટે મારા પતિના નામે લીધેલી કારનો ઉપયોગ કરીએ છે. જે હાલ મારા દિયર મિત્તલ રમેશભાઈ પંચાલ પાસે છે.
મળેલી માહિતી પ્રમાણે સ્ટેટ મોનિટરિંગ સેલને સ્થળ પરથી પેમેન્ટ સ્વીકારવા માટે વપરાતા બે બારકોડ સ્ટીકર પણ મળી આવ્યા હતા. જેના એક સ્ટીકર સ્કેન કરતા રાઠવા પ્રદીપભાઈના નામનું અને બીજું સ્ટીકર દીપભાના નામનું મળી આવ્યું હતું. બૂટલેગર સુમિત્રાએ અને તેના પતિ દ્વારા દારૂડિયાઓને વેચવામાં આવતા દારૂના જથ્થાનું પેમેન્ટ બારકોડ સ્કેન કરીને ઓનલાઈન સ્વીકારવામાં આવતું હતું. જ્યારે પોલીસે જે વ્યક્તિના નામે બારકોડ રજિસ્ટર્ડ હતા તેઓને પણ આરોપી બનાવ્યા છે.
પોલીસે સ્થળ પરથી સુમિત્રા પંચાલ, અનિલ ગંભીરભાઈ બારીયા, આશિષ હસમુખભાઈ બારીયા અને સમીર કંચનભાઈ વસાવાની ધરપકડ કરી હતી. જ્યારે વિપુલ રમેશભાઈ પંચાલ, મિત્તલ રમેશભાઈ પંચાલ, QR કોડમાં રૂપિયા સ્વીકારનાર પ્રદિપ રાઠવા, દારૂનો જથ્થો મોકલનાર લાલચંદ ઉર્ફે લાલુ હેમનદાસ ખાનાણી, કાલુ ઉર્ફે ટોપી ટેલવાણી, નિલેશ ઉર્ફે નિલુ સિંધી અને પલ્લી ઉર્ફે નરેશને વોન્ટેડ જાહેર કર્યા છે.
આ બનાવમાં સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થળ પરથી એક સ્વીફ્ટ કાર, એક મોપેડ, ચાર મોબાઈલ ફોન અને રોકડ અને દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 5,73,478નો મુદ્દામાલ કબ્જે લીધો છે અને મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મકરપુરા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.