- ત્રણેય આરોપીઓ મૂળ વડોદરાના રહેવાસી, પોલીસનો સ્વાંગ રચીને સ્પા સંચાલકને ધમકાવી રૂપિયા કઢાવવાની ફિરાકમાં હતા
વડોદરામાં નકલી પોલીસ બની સ્પાના મેનેજરને ધમકી આપનાર ત્રણ ઈસમોની અકોટા પોલીસે ધરપકડ કરી છે. સ્પાના માલિકને ફોન કરી દિલ્હી પોલીસ વિભાગના કર્મચારી હોવાની ઓળખ આપીને સ્પામાં ખોટી રેડ પાડી પૈસા પડાવવા માટેનો ખેલ રચ્યો હતો પરંતુ, સ્થાનિક પોલીસે આવીને ઓળખ પૂછતા આ ઈસમોનો ખેલ બગડ્યો. હાલમાં આ ત્રણેય ઈસમો સામે કાયદાકીય ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના જેતલપુર રોડ પર ગુજરાત કિડની હોસ્પિટલની બાજુના કોમ્પ્લેક્ષમાં તુર્કીશ સ્પા નામનું સ્પા સેન્ટર આવેલુ છે. જ્યાં મેનેજર તરીકે મેહુલ યોગેશભાઈ પરમાર નોકરી કરે છે. ગત 19 તારીખે સાંજના સમયે ત્રણ ઈસમો સ્પામા આવ્યા હતા. અને મેનેજર મેહુલની પૂછપરછ શરૂ કરી હતી.ત્રણેય વ્યક્તિઓએ પોતાની ઓળખ દિલ્હી પોલીસ તરીકે આપી હતી. અને સ્પાના રજીસ્ટર, મહિલા કર્મચારીઓના ઓળખ કાર્ડ, રહેઠાણ વિશે પૂછપરછ કરવા લાગ્યા હતા. આ દરમિયાન મેનેજર મેહુલ પરમારને સ્પાના માલિક વિશે પૂછપરછ કરતા મેનેજરના ફોનથી સ્પા માલિક પૃથ્વીરાજ રાણા સાથે સાથે વાત કરી હતી. ફોન પર પણ પોતાની ઓળખ દિલ્હી પોલીસ તરીકે આપતા સ્પા માલિકને શંકા જતા તુરંત જ અકોટા પોલીસને જાણ કરી હતી.
આ ઈસમોએ સ્પાના રજીસ્ટર અને કાગળો તપાસ્યા અને કહ્યું કે, તમારું રજીસ્ટ્રેશન ગેરકાયદેસર છે અને તમારા વિરુદ્ધ પોલીસ કેસ થશે. જ્યારે આ ઘટના ઘટી રહી હતી એ જ સમયે અકોટા પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને તેઓએ દિલ્હી પોલીસના અધિકારી બનીને આવેલા ત્રણેયની પૂછપરછ કરી હતી. તેઓ પાસે પોલીસ હોવાના કોઈ પુરાવા કે ઓળખકાર્ડ મળી આવ્યું ન હતું. જેથી પોલીસે ત્રણેયની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. આ ત્રણેય ઇસમો પૈકી સ્પા માલિક સાથે ફોન પર વાત કરનાર વ્યક્તિનું નામ અનિલ મનુભાઈ રાવળ (રહે, મંગલમુર્તી એપાર્ટમેન્ટ, વિડસર પ્લાઝાની સામે, આર.સી.દત રોડ, અલકાપુરી, વડોદરા), તેમજ તેના બે સાગરીતોના નામ શાકીર કાદરભાઈ મણીયાર (રહે, તાંદલજા , કોઢીયાપુરા સામે, અલીફનબર બી/10 વડોદરા) અને જતીન હર્ષદભાઇ માસ્તર (રહે, સી/03, કૃષ્ણનગર સોસાયટી, સી.કે. પ્રજાપતી સ્કૂલ, બાપુની દરગાહ પાસે, ગોરવા, વડોદરા) હોવાનું જાણવા મળ્યું હતું. આ ત્રણેય આરોપીઓ મૂળ વડોદરાના રહેવાસી હતા અને પોલીસનો સ્વાંગ રચીને સ્પા સંચાલકને ધમકાવી રૂપિયા કઢાવવાની ફિરાકમાં હતા. અકોટા પોલીસે સ્પા સેન્ટરના મેનેજરની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.