વડોદરામાં હોસ્પિટલથી પરત ઘરે જતી મહિલાનો અછોડો-મંગળસૂત્રની લૂંટ ચલાવી ત્રિપુટી ફરાર

છેલ્લા કેટલાંક દિવસોથી બાઇકર્સ ગેંગે પોલીસ તંત્રની ઉંઘ હરામ કરી નાંખી..!!

MailVadodara.com - Three-absconding-after-robbing-a-woman-returning-home-from-hospital-in-Vadodara

- મોટર સાઇકલ પર ઘસી આવેલા ત્રણ પૈકી એક ગઠીયાએ મહિલાનો 7.45 તોલા વજનનો સોનાનો અછોડો તથા મંગળસૂત્રની લૂંટ ચલાવી

શહેરના માંજલપુર વિસ્તારમાં હોસ્પિટલથી ઘર તરફ જઇ રહેલી મહિલાના ગળામાંથી 7.45 તોલા વજનનો અછોડો અને મંગળસૂત્ર બાઇક સવાર લૂંટારુ ત્રિપુટી લૂંટ ચલાવી ફરાર થઇ ગઇ હતી. આ બનાવ અંગે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મળેલી માહિતી પ્રમાણે વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી યોગી રેસીડેન્સીમાં સુનિતાબેન વિલાસભાઈ હીરે પરિવાર સાથે રહે છે. તેઓના ઘરે તેમની મોટી બહેન આવ્યા હતા. તેઓને શરદી-ખાંસી થઈ હોવાથી સુનિતાબેન તેમના મોટા બહેન નીતાને લઈને સાંજના સમયે સન ફાર્મા રોડ પર આવેલી હોસ્પિટલ ખાતે દવા લેવા માટે ગયા હતા. અને હોસ્પિટલમાં બતાવી દવા લઇ ઘરે પરત ફરી રહ્યા હતા.


સુનીતાબેન તેમના મોટાબેન સાથે ઘરે જવા હોસ્પિટલથી વ્રજધામ સોસાયટીના કોમન પ્લોટ નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની પાછળથી એક મોટર સાઇકલ પર ત્રણ લોકો ઘસી આવ્યા હતા અને મોટરસાઇકલની પાછળ બેઠેલા એક ગઠીયાએ સુનિતાબેનને પહેરેલ 7.45 તોલા વજનનો સોનાનો અછોડો તથા મંગળસૂત્રની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

મોડી સાંજના સમયે બનેલા આ બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. એક તબક્કે સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા. જોકે, લૂંટારુ ત્રિપુટી લોકો ભેગા થાય તે પહેલાં વીજળીવેગે ફરાર થઇ ગઇ હતી. દરમિયાન સુનિતાબેને આ અંગે માંજલપુર પોલીસ મથકે ત્રણ અજાણ્યા મોટરસાઇકલ સવાર લૂંટારુ ત્રિપુટી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સુનિતાબહેનની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે ત્રિપુટીને ઝડપી પાડવા માટે સ્થાનિક વિસ્તારમાંથી CCTV ફૂટેજ મેળવી અજાણ્યા લૂંટારાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનિય છે કે, વડોદરા શહેરમાં છેલ્લા કેટલાંક દિવસોથી બાઇકર્સ ગેંગે પોલીસ તંત્રની ઉંઘ હરામ કરી નાંખી છે. શહેરમાં ઉપરા-છાપરી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન લૂંટના બનાવો બની રહ્યા છે. શહેરમાં ઠેર-ઠેર CCTV લગાવેલા હોવા છતાં, લૂંટારુ ટોળકી ડર વિના ગુનાઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. પોલીસનો તસ્કરોને કોઇ ડર ન રહેતા બેફામ બનેલા લૂંટારુઓથી હવે મહિલાઓને સોનાના દાગીના પહેરી ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું. અને મહિલાઓમાં પણ ગભરાટ ફેલાઇ ગયો છે.

Share :

Leave a Comments