- છાણી ટીપી-13 ટાંકી સાથે ફૂલવાડી બ્રિજ ચાર રસ્તાથી ફાયર બ્રિગેડ ચાર રસ્તા સુધી 400 મિલી મીટર વ્યાસની પાણીની લાઈનનું જોડાણ કરાશે
શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં ટીપી 13 પાણીની ટાંકી સાથે 400 મિલીમીટર વ્યાસની નળીકાનું જોડાણ કરવાનું હોવાથી આવતીકાલે તા.1 નવેમ્બરના રોજ ટીપી 13 પાણીની ટાંકીના સાંજના ઝોનના વિસ્તારમાં પાણી વિતરણ કરી શકાશે નહીં, જ્યારે તા.2ના રોજ કામગીરી પૂર્ણ થયેથી પાણી વિલંબથી તથા હળવા દબાણથી વિતરણ કરવામાં આવશે. જેથી 50 હજાર લોકોને પાણી મળશે નહિ.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરે કરેલી જાહેરાતમાં જણાવ્યું છે કે, છાણી જકાતનાકા ટીપી-13 ટાંકી સાથે ફૂલવાડી બ્રિજ ચાર રસ્તાથી ફાયર બ્રિગેડ ચાર રસ્તા સુધી 400 મિલી મીટર વ્યાસની પાણીની લાઈનનું જોડાણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જેથી આવતીકાલે તા.1 નવેમ્બરના રોજ ટીપી-13 વિસ્તારમાં સાંજના સમયના પાણી વિતરણના ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરી શકાશે નહીં તેમ જણાવ્યું છે.
આ ઉપરાંત કામગીરી તા.2ના રોજ પૂર્ણ થતાં આ વિસ્તારના લોકોને પીવાનું પાણી વિલંબથી અથવા હળવા દબાણથી વિતરણ કરવામાં આવનાર છે. જેથી કોર્પોરેશનને આ વિસ્તારના નાગરિકોને સલાહ આપી છે કે, પાણી વિતરણ નહીં થવાને ધ્યાનમાં રાખી જરૂરી પાણીનો સંગ્રહ કરીને રાખવાનું રહેશે.