શહેરમાં ચોર ટોળકી બેફામ બની છે અને હવે રાત્રે નહીં પરંતુ દિવસે પણ પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. માંજલપુરમાં ધોળે દહાડે માત્ર સવા કલાકના ગાળામાં ચોર ટોળકી સાત લાખ ઉપરાંતની ચોરી કરી ગઈ હતી.
શહેરના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસે આવેલ અનંત પાર્ક સોસાયટીમાં રહેતા રાજાભાઈ આગઠ ખાનગી કંપનીમાંથી નિવૃત્ત જીવન ગુજારે છે. ગતરોજ તેમની પત્ની બીમાર હોવાથી તેમને નજીકના દવાખાને લઈ જવા સવારે 10:30 વાગે મકાનને લોક કરી નીકળ્યા હતા. જ્યાંથી 11 45 કલાકે ઘરે આવતા મુખ્ય દરવાજાનું લોક તૂટેલ હતું. તપાસ કરતા અજાણ્યા તસ્કરો લાકડાના કબાટના ડ્રોવરમાંથી સોનાનું મંગળસૂત્ર, સોનાની માળા, સોનાની ચેન, સોનાનું ડોકિયું, સોનાના પાટલા, સોનાની બુટ્ટી, રોકડા રૂ 2.10 લાખ સહિત કુલ રૂ.7.70 લાખની મત્તા ચોરી નાસી છૂટ્યા હોવાનું બહાર આવ્યું હતું. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.