માં શક્તિની આરાધના અને ભક્તિના પર્વને ધંધાનું ગ્રહણ લાગ્યું..!!

ધર્મના નામે ધંધો...!

MailVadodara.com - The-worship-of-Shakti-and-the-festival-of-devotion-felt-eclipsed-by-business

- પાંચ પચ્ચીસ પાસ લઈ નમાલા નેતાઓ આયોજકો સામે કથ્થક કરે છે...!

- મધ્યમ અને ગરીબ વર્ગના ખેલૈયાઓ માટે ધંધાદારી ગરબા દીવાસ્વપ્ન..!

- પહેલા યુવાનો પાસ શરૂ થયા પછી યુવતીઓ પાસે પણ પાસ માટે નાણાં લેવાનું શરૂ થયું..!

- ધંધાદારી આયોજકોના પાપે માં- બાપ સંતાનો માટે દેવાદાર થવા મજબુર..!

- આયોજકો પાસ આપી  અધિકારીઓને પણ ખરીદી લે છે..?


વડોદરા શહેર યોજાતા ધંધાદારી ગરબા સામે સવાલો ઉઠી રહ્યા છે. ધર્મ ની આડમાં ધંધો કરતા કેટલાક માલેતુજાર આયોજકો સામે શહેરની પ્રજા લાચાર હોય એમ લૂંટાઈ રહી છે અને નમાલા નેતાઓ તમાશો જોઈ રહ્યા છે.

      સાંસ્કૃતિક અને કલાનગરી તરીકે આગવી ઓળખ ધરાવતા વડોદરાના ગરબા વિશ્વ વિખ્યાત છે. જો કે માં શક્તિ ની ભક્તિ અને આરાધનાના આ પર્વ ને ધંધાદારી અભિગમનું ગ્રહણ લાગ્યું છે. એક સમય હતો જયારે વર્ષો અગાઉ શહેરની પોળો માં ગરબા મહોત્સવ નું આયોજન થતું હતું. રાત્રીના સમયે પોળો માં મહિલાઓ દીકરીઓ ગરબાની રમઝટ બોલાવતી હતી. ગરબામાં માં શક્તિની ભક્તિ અને આરાધના કરવામાં આવતી હતી. સમય જતાં ભાતિગળ ગરબાનું સ્થાન વૈભવી ગરબાએ લેવા માંડ્યું. કેટલાક માલેતુરાજોને ધર્મમાં ધંધો દેખાયો અને શરૂ થયો ધર્મના નામે ધંધાનો ખેલ. શરૂઆતના વર્ષોમાં ગરબા ખેલૈયાઓમાં યુવાનો પાસે જ પાસ પેટે નાણાં લેવામાં આવતા હતા. યુવાનો પાસે પાસના નામે પૈસા પડાવવાનો વિરોધ નહીં થતા છેલ્લા ઘણા વર્ષોથી ગરબા રમતી યુવતીઓ અને બાળકીઓ પાસે પણ પાસના નામે નાણાં પડાવવાનો ખેલ શરૂ થયો.


શરૂઆતમાં યુવતીઓને પાસના નામે લેવાતા નાણાં ડિપોઝીટ ગણી પરત કરવામાં આવતા હતા. ધીમે ધીમે ગરબા રમતી યુવતીઓ પાસેથી લીધેલા નાણાં પરત કરવાનું પણ બંધ થઈ ગયું. મુઠ્ઠીભર માલેતુજારોના ધંધાદારી અભિગમ સામે નમાલા નેતાઓ જાણે કથ્થક કરતા હોય એમ ચૂપ છે અને ધંધાદારી ગરબાનો વ્યાપ વધતો ગયો. ગરબા રમતી એક દીકરીએ રૂ.૧૦૦૦/- થી  માંડી ૧૫૦૦ રૂપિયા ચૂકવવા પડે છે. કેટલાક ગરબા આયોજકોની આંધળી લૂંટમાં સૌથી વધુ યુવાનો લૂંટાઈ રહ્યાં છે. નવ દિવસ ગરબા રમવા ચાર થી પાંચ હજાર ચૂકવવા પડે છે.  દેખા દેખી ના આ જમાનામાં સંતાનોની જીદ પુરી કરવા માં- બાપ દેવું શુદ્ધા કરતા હોય છે. અહીં સવાલ એ છે કે નિરંકુશ થયેલા ધંધાદારી ગરબા આયોજકો સામે નેતાઓ કેમ ચૂપ છે ? જેમની ફરજ છે પ્રજાની ચિંતા કરવાની એમને એવુ કેમ નથી લાગતું  કે, આ આંધળી લૂંટ ચાલી રહી છે ? ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના સંતાનો માટે નેતાઓએ અવાજ ના ઉઠાવવો જોઈએ ? દર વર્ષે પાસની કિંમતમાં તોતિંગ વધારો થાય અને નેતાઓ ચૂપ રહે એ કેટલું યોગ્ય ? શું આયોજકો પાસે પાંચ પચ્ચીસ પાસના ટુકડા લઈ નેતાઓ આયોજકો સામે કથ્થક કરે છે ? ખેર, વડોદરાની આગવી ઓળખ ગણાતા ગરબા મહોત્સવને ધંધાદારી અભિગમનું ગ્રહણ લાગ્યું છે ત્યારે એવુ નથી લાગતું કે, ધંધાદારી ગરબા સામે ચોક્કસ માપદંડ નક્કી થવા જોઈએ...?


ધંધાદારી અભિગમ થી ચલતા ગરબા વર્ષોથી ચાલે છે. ઘણા આયોજકો વગર પૈસે ગરબા રમાડે છે. ખેલૈયાઓએ વિચારવાનું છે કે પ્રાધન્યતા કોને આપવી ? ખેલૈયાઓ ધંધાદારી અભિગમથી ચાલતા ગરબાને જાકારો આપે તો આવા આયોજકોને પાસના નાણાં ઓછા કરવાની ફરજ પડે. ખેલૈયાઓ પર આ બધી વાત નો આધાર છે.

- ડૉ. હેમાંગ જોષી, સાંસદ, વડોદરા


વડોદરા સાંસ્કૃતિક શહેર છે. વડોદરા માં તમામ લોકો ગરબા રમે છે. પોળ હોય કે સોસાયટી તમામ લોકોને ગરબે રમવાનો શોખ છે. આયોજકોને ખર્ચ થાય છે એ સાચું છે, પરંતુ પાસ ની કિંમત એવી રાખવી જોઈએ કે વ્યવસ્થા જળવાઈ રહે. નફાનો અભિગમ ના હોવો જોઈએ. દીકરાઓ માટે પણ નોમિનલ ચાર્જ હોવો જોઈએ. કેટલાક આયોજકો ગરબાની આવકમાંથી ગરીબોને સહાય પણ કરતા હોય છે.

- રંજનબેન ભટ્ટ, પૂર્વ સાંસદ, વડોદરા


ગરબાના પાસ માટે નિયમ હોવા જોઈએ અને એ પ્રમાણે પાસના નાણાં લેવા જોઈએ. ગરબા માં શક્તિ ની આરાધના નું પર્વ છે. મિનિમમ ચાર્જ કરી ગ્રાઉન્ડ તૈયાર કરવા જોઈએ.

- મનીષાબેન વકીલ, ધારાસભ્ય, શહેર- વાડી


માતાજી ના ગરબા અમે ૧૪ વર્ષ કર્યા અને ઇનામો પણ આપ્યા. અમે ગરબા રમવાની કોઈ ફી લીધી છે. ધર્મ અને આસ્થા જળવાવી જોઈએ. પાસ લેવા માટે પણ લાઈનો માં ઉભા રહેવું પડે છે. ધંધાદારી ગરબા ગરીબો માટે નથી હોતા.

- મધુ શ્રીવાસત્વ, પૂર્વ ધારાસભ્ય, વાઘોડિયા


વડોદરાના ગરબાને યુનેસ્કો એ આમૃત સાંસ્કૃતિક ધરોહરનો દરજ્જો આપ્યો છે એ જળવાઈ રહેવો જોઈએ. ભક્તિ અને ક્લાત્મકની આગવી ઓળખ જળવાઈ રહે તથા શેહેરી કરણની ચિંતાયુક્ત શૈલીમાંથી મુક્તિ અને હળવાશ મળે. વડોદરામાં ઉત્સવપ્રિય નગરીનો માહોલ ઉભો થાય એ જરૂરી છે. ગરબાના આયોજન માં ના નફો ના નુકસાન નો અભિગમ આયોજકોમાં હોવો જોઈએ. આવક ઉભી થાય તો કુદરતી આફતના સમયે વડોદરાવાસીઓને સહાય મળે અને સામુહિક તાકાતનો ભાગ ઉભો થાય.

- ડૉ. શીતલ મિસ્ત્રી, અધ્યક્ષ, સ્થાયી સમિતિ


પહેલા શેરી ગરબા થતા હતા. હવે ધંધાદારી ગરબા પણ થઈ રહ્યા છે. ધંધાદારી ગરબામાં સમૂહ જોડાય છે એમાં ચિંતા એવી થાય છે કે આ ગરબા ડાન્સના ઉત્સવ ના બની જાય. ધંધાદારી ગરબા બીજા માર્ગે ના વળી જાય. રાજકોટમાં જે થયું એ આધાતજનક છે. વડોદરામાં આ ન્યુસન્સ ના પેસવું જોઈએ. લોકોએ આ ન્યુસન્સ ને રોકવું જોઈએ.

- યોગેશ પટેલ, ધારાસભ્ય, માંજલપુર


નવરાત્રીe આદ્ય શક્તિની આરાધનાનો પર્વ છે. ગરબા સાંસ્કૃતિક ધરોહર છે. આપણે ત્યાં થાય છે એ ગરબા વિશ્વમાં પ્રચલિત છે. આવા ગરબા વિશ્વમાં ક્યાંય થતા નથી. ગરબાનુ સત્વ આયોજકો અને લોકોએ જાળવી રાખવું જોઈએ.

- બાલકૃષ્ણ શુક્લા, ધારાસભ્ય, રાવપુરા


ગરબા એ આરાધનાનું પર્વ છે અને ગરબાનો મૂળ આશ્રય માતાની ઉપાસનાનો છે. ગરબાનું કોમર્શિયલાઈઝેશન કે વેપારીકરણ ના થવું જોઈએ.

- કેયુર રોકડીયા, ધારાસભ્ય, સયાજીગંજ

Share :

Leave a Comments