- બ્રિજમાં વપરાયેલા લોખંડને ફરી ઉપયોગમાં લઈ શકાય તે રીતે ઉતારાશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને 13 વર્ષ અગાઉ રેલવે સ્ટેશન પાસે બનાવેલા અને બાદમાં નબળા બની ગયેલા સ્કાય વોકને લોકોની સલામતી માટે ગયા નવેમ્બરમાં મોરબી દુર્ઘટના બાદ બંધ કરી દીધો હતો. ચાર મહિના અગાઉ કોર્પોરેશનના સત્તાધિશોએ ત્યાં એક જાહેર નોટિસ લગાડી ફૂટ ઓવરબ્રિજનો અવરજવર માટે ઉપયોગ નહીં કરવા સુચના જારી કરી હતી.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈકાલ રાતથી આ બ્રિજને નીચે ઉતારી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રોજ રાત્રે આ કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી કરીને કોઈને નુકસાન થાય નહીં. આશરે 15-20 દિવસ સુધી આ કામગીરી ચાલુ રહેશે. હાલ કોર્પોરેશનના વિભાગ દ્વારા આ કાર્ય શરૂ કરાયું છે. બ્રિજમાં વપરાયેલું લોખંડ ફરી ઉપયોગમાં લઈ શકાય તે રીતે તોડફોડ કરવામાં આવશે.
આ અગાઉ પણ વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા જોખમી બનેલા સ્કાય વોકને નીચે ઉતારી લેવા માંગણી કરી હતી. કારણ કે આ સ્કાય વોક શોભાના ગાંઠિયા સમાન બની ગયો હતો. 1.89 કરોડના ખર્ચે વર્ષ 2008-09માં આ સ્કાયવોકની કામગીરી શરૂ કરી હતી, અને 2010માં પૂર્ણ થઈ હતી. 145 મીટરની લંબાઈ ધરાવતા સ્કાયવોક પર ત્રણ સ્થળેથી આવ-જા કરી શકાતી હતી. કોર્પોરેશન દ્વારા આ સ્કાય વોક સંદર્ભે તેની મજબૂતાઈ માટે રિપોર્ટ મંગાવ્યો હતો. જેમાં બ્રિજનો ઉપયોગ કરવો અસુરક્ષિત જણાતા કોર્પોરેશન દ્વારા જાહેર નોટિસ મૂકવામાં આવી હતી અને બ્રિજને નીચે ઉતારી લેવાનું નક્કી કર્યું હતું.