- રોડ-રસ્તાના ખાડા સહિત ગ્રાઉટીંગના કામ 15 દિવસમાં પૂરા કરવા સુચના
ઉનાળાની ત્રાહિમામ ગરમીના દિવસો પૂરા થવાની તૈયારીમાં છે અને ચોમાસુ શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે શહેરના તમામ વિસ્તારોમાં ચોમાસા પૂર્વેની પ્રિમોન્સૂન કામગીરી ૯૦ ટકા જેટલી પૂરી થઈ હોવાનું પાલિકા તંત્ર દ્વારા જણાવાયું છે.
ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રિ-મોનસુન કામગીરી ચાલી રહી છે અને શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં ૮૦-૯૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનો દાવો પાલિકા મેયર પિન્કીબેન સોની અને સ્થાયી સમિતિના ડો. શીતલ મિસ્ત્રીએ કર્યો છે.
માંજલપુર વિસ્તારમાં પ્રીમોનસૂનની ચાલતી કામગીરી અંગે નિરીક્ષણમાં નીકળેલા આ બંને પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ચાલતી કામગીરીના ચેકિંગ માટે નીકળ્યા હતા અને પાલિકાના સ્થાનિક એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર દ્વારા રૂપારેલ અને મસિયા કાસની કામગીરી લગભગ પૂરી થઈ ગઈ છે અને જે કોઈ જગ્યાએ મશીનરી કે પછી આર્થિક જરૂરિયાત હોય એવા વિસ્તારોની પણ નોંધ લેવાઇ છે.
પ્રમોશન કામગીરી સહિત રોડ પ્રોજેક્ટના ચાલતા કામ અંગે પણ આ બંને પદાધિકારી નિરીક્ષણ કર્યું હતું જેમાં રોડ-રસ્તાના ખાડા સહિત ગ્રાઉટીંગના કામ આગામી 15 દિવસમાં પૂરા થાય એ માટે કડક સુચના આપવામાં આવી છે જ્યાં વધુ વરસાદી પાણી ભરાતું હોય એવા દક્ષિણ ઝોનના કેટલાક વિસ્તારોમાં વરસાદી લાઈન નાખવામાં આવી છે તેનું પણ નિરીક્ષણ કરાયું હતું આવી નંખાયેલી લાઈન બાદની કામગીરીમાં ચરી કે પછી ગ્રાઉટીંગ થયું છે કે કેમ તેનું પણ નિરીક્ષણ કર્યું હતું. દક્ષિણ ઝોનના માંજલપુર તરસાલી વિસ્તારના મસ્યા કાંસ સહિત નાના કાંસમાં દબાણ બાબતે પણ નિરીક્ષણ કરાયું હતું અને આવા દબાણને દૂર કરવા કડક સુચના આપવામાં આવી હતી.
પ્રિમોન્સૂન કામગીરી અંગે કોન્ટ્રાક્ટર સાથે ટાઈમ લિમિટની પણ કન્ડિશન હોય છે. જેમાં પૂર્ણ થયેલા કામ અંગે કોઈ ખાડા ટેકરા હોય તો તત્કાલ ધોરણે પુરા કરવા અને વાહનચાલકોને આ કોઈ તકલીફ ન પડે એ અંગે પણ ખાસ સુચના અપાય છે. આ ઉપરાંત પ્રથમ બે વરસાદ પડી ગયા પછી પણ વિવિધ રોડ રસ્તાની સાફ-સફાઈ થાય એ બાબતે પણ સૂચના આપવામાં આવી છે.