- ગાંધીજી ની પ્રતિમાની જાળવણી કરવામાં નિષ્ફ્ળ શાસકો ફોટા પડાવવા હરખપદુડા થઈ ગયા..!!
આજે બીજી ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજ્યંતિ. આજે દેશ આખો જયારે રાષ્ટ્રપિતા ને વંદન કરી રહ્યો છે ત્યારે પ્રસિદ્ધિ માટે હરખપદુડા થતા શાસકોએ ગાંધીજીની પ્રતિમાને ફૂલ હાર ચઢાવવાની તાલાવેલીમાં તેમના ચશ્મા પણ કાઢી નાખ્યા હતા.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દેશને આઝાદ કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આજે ગાંધીજીની જન્મ જયંતી છે. દેશ આખામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડી સૌ કોઈ તેમને નમન કરી રહ્યું છે. જો કે વડોદરાના શાસકોને ગાંધીજીને ફૂલહાર અપર્ણ કરવામાં પણ પ્રસિદ્ધિ ની તક જણાઈ આવી હોય તેમ લાગતું હતું. શહેરના ગાંધીનગર ગૃહ ખાતે રાષ્ટ્રપિતાની પ્રતિમાને ફુલહાર કરવા ઉમટી પડેલા શાસકો ફૂલના હાર એક પછી એક ચઢાવતા ગયા. ગાંધીજીનો ચહેરો ઢંકાઈ જાય ત્યા સુધી ફૂલ હાર ચઢાવતા ગયા અને પ્રસિદ્ધિની હોડ જામી હોય તેમ ફોટા પડાવતા ગયા.આ દરમ્યાન ગાંધીજીના ચશ્મા નીકળી ગયા. મહિલા કાઉન્સિલર જાગૃતિબેન કાકા એ ચશ્માં ચઢાવવાની કોશિશ કરી પરંતુ ચશ્મા બરાબર લાગ્યા નહીં. છેવટે પ્રસિદ્ધિનો ભાર ગાંધીજીના ચશ્મા વેઠી શક્યા નહીં અને ચશ્મા નીચે પડી વળી ગયા. ડૉ હિતેન્દ્ર પટેલે ચશ્મા ઉઠાવીને મેયરના પીએ ને આપી દીધા. બીજી તરફ ગાંધીજીને ચશ્મા વગર ફૂલ હાર ચઢતા ગયા. જાણે શાસકોની પ્રસિદ્ધિ ની ભૂખ ગાંધીજીએ પણ સહન કરી લીધી. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ શાસકો સામે રોષ વ્યક્ત કર્યો હતો.
શાસકો ના દેખાડાના બોલતા પુરાવા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.