- બજેટ માં જાહેર થતા કરોડોના કામો પૈકી અડધા કામો પુરા થતા નથી..!
- પ્રજાને આભાસી વિકાસ બતાવી મૂર્ખ બનાવવામાં આવે છે ?
વડોદરા મહાનગર પાલિકામાં બજેટને સામાન્ય સભા તરફથી બહુમતીના જોરે આખરી મંજૂરી મળી ગઈ છે. જો કે દર વર્ષે રજૂ થતા બજેટમાં જે દાવા થાય છે એ પુરા થતા નથી. જે કામોની જાહેરાત થાય છે એના માંડ ૫૦ ટકા કામો થાય છે.
વડોદરા શહેર વિકાસમાં પછાત છે એના ઘણા બધા કારણો છે એ કારણો પૈકીનું એક કારણ એ પણ છે કે જાહેરાત કર્યા બાદ એ કામો પુરા થતા નથી. શાસકો બજેટ દરમ્યાન વિકાસના સંખ્યાબંધ કામો ની જાહેરાત કરે છે. સ્થાયી સમિતિ અને ત્યાર બાદ સામાન્ય સભામાં પણ બજેટના કામોની ચર્ચા થાય છે. બજેટની ચર્ચા પુરી થાય અને બહુમતીના જોરે મંજૂરી અપાય ત્યારે ભાજપના કાઉન્સિલરો પાટલીઓ થથપાવે છે અને ‘અમે સારા તમે સારા, આપણે બધા બહુ સારા ‘ ની જેમ પ્રજા પર ઉપકાર કરતા હોય એવો દેખાડો કરે છે. જો કે બજેટમાં જાહેર થતા કામો પુરા થાય છે કે નહીં એ અંગે કોઈ જાહેરાત થતી નથી. જી, હા દર્શકમિત્રો પાલિકાના શાસકો એ વાસ્તવિકતા પ્રજાથી છુપાવી રાખે છે કે એ સામાન્ય સભામાં મંજુર થયેલા કામો પુરા કરવાની તેમની ત્રેવડ નથી. પાલિકાના વહીવટી તંત્રની બલિહારી એ છે કે વર્ષ દરમ્યાન માંડ ૬૦૦ થી સાતસો કરોડના કામો પુરા કરવાની તેની ક્ષમતા છે, જે જાહેર કરેલા કામોના માંડ ૪૦ થી ૫૦ ટકા છે. મસ મોટી જાહેરાતો કરી શાસકો વડોદરાની પ્રજાને વિકાસના સપના બતાવે છે, પરંતુ વહીવટી તંત્રની આવડત નથી કે એ કામો પુરા કરે. મેઈલ વડોદરાએ બજેટમાં મંજુર થતા કામો પુરા થાય છે કે નહીં એ અંગે તપાસ કરતા ચોકાવનારી હકીકત પ્રકાશમાં આવી હતી. દર વર્ષે રજૂ થતા વિકાસના કામો પૈકી પાલિકાનું વહીવટી તંત્ર માંડ અડધા કામો પુરા કરે છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી પણ આડકતરી રીતે મેઈલ વડોદરાના અહેવાલ ને સમર્થન આપી રહ્યા છે.
અહીં સવાલ એ છે કે બજેટ મંજુર થાય ત્યારે પાછલા વર્ષના બાકી કામોની જાહેરાત ના થવી જોઈએ ? પ્રજાને વિકાસના અધૂરા સપના જાણવાનો હક્ક નથી ? શાસકો શું જાણી જોઈને પ્રજાને એવા સપના બતાવે છે જે પુરા કરવાની તેમની ત્રેવડ નથી ? વહીવટી તંત્રની ક્ષમતા જાણવા છતાં બમણા કામો કરાવવાનો આગ્રહ કેવી રીતે રાખી શકાય ? આવા ઘણા સવાલો શાસકો ની આવડત સામે ઉભા થાય છે.