- સ્માર્ટ રોડના ધજાગરા ઉડાડતા કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં સંકલનનો અભાવ!
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂટપાથ વચ્ચે ડિવાઈડર તેમજ અન્ય સુવિધા સાથેના સ્માર્ટ રોડ બનાવવાનો આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. સ્માર્ટ રોડ બનતા પહેલાં જરૂરી પાણી-ડ્રેનેજ, ગેસ લાઈનની કામગીરી પૂર્ણ કરી દેવાની અગાઉના કમિશનરે સૂચનાઓ જારી કરી હોવા છતાં સ્માર્ટ રોડ થઈ ગયા બાદ અને પાણી ડ્રેનેજ અને ગેસ લાઇનની કામગીરી માટે ખાડા ખોદી દેતા વિવિધ વિભાગો વચ્ચેના સંકલનના અભાવને કારણે સ્માર્ટ રોડના ધજાગરા ઉડી ગયા હોવાનું જાણવા મળે છે. આજવા રોડ અને ડભોઇ રોડને 37 કરોડના ખર્ચે સ્માર્ટ રોડ બનાવાઈ રહ્યો છે. જેમાં આજવા રોડ પર 15 દિવસ પહેલાં જ રોડ બનાવ્યા બાદ કમલાનગર તળાવ પાસે બે જગ્યાએ ખોદાણ કરાયું છે. સ્માર્ટ સિટી કંપની દ્વારા વાસણા રોડ પર 13 કરોડના ખર્ચે, બીપીસી રોડને 21 કરોડના ખર્ચે અને એક્સપ્રેસ વેથી સમા સુધીનો રસ્તો 15 કરોડના ખર્ચે સ્માર્ટ બનાવાઈ રહ્યો છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરના વિવિધ વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર પાર્કિંગ ફુટપાથ, ડિવાઇડર સહિતની અન્ય જરૂરી સુવિધા સાથે સ્માર્ટ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તે રસ્તાઓ તૈયાર પણ થઈ ગયા તે બાદ સ્માર્ટ રોડની કામગીરી પર અન્ય વિભાગોએ પાણી ફેરવી દીધું હતું. જેને કારણે હવે લોકોને તેનો ભોગ બનવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં વડોદરા કોર્પોરેશનને ઠેર ઠેર ખાડાઓ ખોદવાને કારણે સ્માર્ટ રોડ હવે ખાડોદરા રોડ બની ગયા છે.
સ્માર્ટ સિટી કંપની દ્વારા થોડા વખત પહેલા વડોદરા શહેરના વાસણા રોડ સ્માર્ટ રોડ બનાવવા પાછળ રૂ.13 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તદુપરાંત બીપીસી રોડ પાછળ રૂપિયા 21 કરોડ તેમજ આજવા રોડ અને ડભોઇ રોડ બનાવવા પાછળ રૂપિયા 37 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે હાલમાં એક્સપ્રેસ હાઈ-વેથી સમા સુધીનો મુખ્ય રસ્તો બનાવવા પાછળ રૂ. 15 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે ત્યારે કોર્પોરેશનના વિવિધ વિભાગો વચ્ચે સંકલનના અભાવને કારણે રસ્તાની કામગીરી થઈ ગયા બાદ અથવા તો ચાલુ કામગીરી અટકાવી દઈ ઘેર ઘેર ખાડા ખોદતા હોવાના કિસ્સા બહાર આવ્યા છે. વડોદરા શહેરના વાસણા રોડ ખાતે પાણીના પ્રેશરનો પ્રશ્ન રસ્તો થઈ ગયા બાદ ઊભો થયો હોય તે રીતે પાણી પુરવઠા વિભાગે આડેધડ ખાડા ખોદી નાખ્યા હતા. એ જ પ્રમાણે અલકાપુરીથી અકોટા તરફ જતો બીબીસી રોડ જે તૈયાર થઈ ગયા બાદ પાણી પુરવઠા વિભાગે ડ્રેનેજ અને વડોદરા ગેસ કંપની હોય કે એમજીવીસીએલ હોય તેના દ્વારા કામગીરી માટે ખાડા ખોદી નાખવામાં આવ્યા હતા. જેને પગલે વડોદરા કોર્પોરેશનના વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન નહીં હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાતી હોવાનું જાણવા મું છે.
આજવા રોડ ખાતે તાજેતરમાં 15 દિવસ અગાઉ જ સ્માર્ટ રોડ બની ગયો હતો અને માત્ર પેવર બ્લોક નાખવાની કામગીરી બાકી હતી તે દરમિયાન જ કમલા નગર તળાવ પાસે પાણી પુરવઠા વિભાગે પાણીની મુખ્ય લાઈન પર ફ્લો મીટર લગાવવાના કામ માટે ખાડા ખોદી દીધા હતા. જેથી નવા જ બનાવવામાં આવેલા સ્માર્ટ રોડના ખુદ કોર્પોરેશનના જ અન્ય વિભાગોએ ધજાગરા ઉડાડી દીધા હતા. રોડ પર રોડ બનાવી તેમજ બનાવેલા રોડને વિકાસના નામે ખોદી નાખી પ્રજાના પૈસાનો વેડફાટ કરાતાં લોકોમાં પણ ભારે રોષ ફેલાયો છે.
વડોદરા શહેરના ડભોઈ રોડ પર વરસાદી ગટર ડ્રેનેજનું કામ કરવાનું હોવાને કારણે સોમા તળાવથી પ્રતાપ નગર સુધીના રસ્તાની કામગીરીમાં પણ વિલંબ થયો હતો એ જ પ્રમાણે એક્સપ્રેસ હાઈવેથી સમા સુધીનો રસ્તો હાલમાં ડ્રેનેજ અને બ્રિજની કામગીરી કરવાની બાકી છે જેને કારણે સ્માર્ટ રોડ બનાવવામાં વિલંબ થઈ રહ્યો છે.