વડોદરાના પ્રવેશ દ્વારા કહેવાતા સેવાસી રોડ ઉપર દબાણો દૂર કરાયા, વેપારીઓએ ભારે વિરોધ કર્યો

પાલિકા દ્વારા રસ્તાની એકબાજુના જ દબાણો દૂર કરાયા : વેપારીઓ

MailVadodara.com - The-pressures-on-the-so-called-Sevasi-Road-through-the-entry-of-Vadodara-were-lifted-the-traders-strongly-protested

- પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવા માટે પહોંચેલી પાલિકાની ટીમ અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ થયું, લોકોના ટોળા એકઠા થયા

- વહાલા-દવલાની નિતી અપનાવી હોવાના વેપારીઓના આક્ષેપ


વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરના પ્રવેશ દ્વાર સમા સેવાસી-ગોત્રી રોડ ઉપરના રસ્તા રેષામાં આવતી કાચી-પાકી દુકાનો તેમજ લારીઓના દબાણો દૂર કર્યા હતા. પોલીસ બંદોબસ્ત સાથે 30 મીટર સુધીના દબાણો દૂર કરવા માટે પહોંચેલી પાલિકાની ટીમ અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ થયું હતું. દુકાનદારની પત્નીએ ભારે હોબાળો મચાવ્યો હતો. વેપારીઓએ પાલિકા દ્વારા કામગીરીમાં વહાલા-દવલાની નિતી અપનાવી હોવાના આક્ષેપ કર્યા હતા.


છેલ્લા કેટલાંક સમયથી વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પાલિકાના પ્લોટ ઉપર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. બે દિવસ પૂર્વે ગોરવા વિસ્તારમાંથી દબાણો દૂર કર્યા બાદ આજે પાલિકાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વડોદરાના પ્રવેશ દ્વાર સમા સેવાસી-ગોત્રી રોડ ઉપર રસ્તા રેષામાં આવતા દબાણો કરવાની કામગીરી હાથ ધરી હતી.

સવારે 8 જેટલા જે.સી.બી., ડમ્પરો સહિતના કાફલા સાથે સેવાસી ગામ ખાતે પહોંચેલી દબાણ શાખાની ટીમ દ્વારા મુખ્ય રસ્તાની બંને બાજુમાં આવેલી કાચી-પાકી 40 જેટલી દુકાનો તેમજ લારીઓ દૂર કરવાની કામગીરી હાથ ધરતા દુકાનદારો અને દુકાનદારોના પરિવારજનોએ કામગીરી કરી રહેલી પાલિકાની ટીમનો વિરોધ કર્યો હતો.


જોકે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવા માટે પહોંચેલી પાલિકા દ્વારા દુકાનદારોનો વિરોધ હોવા છતાં, કામગીરી ચાલુ રાખતા દુકાનદારો કામગીરી અટકાવવા માટે ઘર્ષણમાં ઉતરી પડ્યા હતા. પોલીસે દુકાનદારોને સમજાવી દૂર કરવાનો પ્રયાસ કરતા દુકાનદારો પોલીસ સાથે પણ ઘર્ષણમાં ઉતરી પડ્યા હતા. દુકાનદારો પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે ઘર્ષણમાં ઉતરતા લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.


દુકાનદારોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા રસ્તાની એકબાજુના જ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જોકે, પાલિકાની દબાણ શાખાએ આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે, રોડની માપણી સાથે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. સેવાસી રોડ ઉપરના 30 મીટરમાં આવતા રસ્તાની બંને બાજુ દબાણો આવતા હશે તે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.


એક દુકાનદારની મહિલાએ વર્ષો જુની પોતાની દુકાન ઉપર જે.સી.બી. ફેરવવાનું શરૂ થતાં ભારે હોબાળો મચાવી મૂક્યો હતો. મહિલાએ કામગીરી અટકાવવા માટે પ્રયાસ કરતા મહિલા પોલીસ કાફલો મહિલાની અટકાયત કરી બાજુ ઉપર લઇ જઇ સમજાવી મામલો થાળે પાડ્યો હતો. સેવાસી ખાતે આજે પાલિકાની દબાણ શાખા દ્વારા કરવામાં આવેલી કામગીરીએ રસ્તા રેષામાં દબાણો કરી બેઠલા લોકોમાં ગભરાટ ફેલાવી દીધો હતો.

Share :

Leave a Comments