- વડી કચેરીએ કમિશનર ગેટ બહાર દબાણ સડક પર શાખાના વાહનોનું આડેધડ પાર્કિંગ
- રાજમહેલ રોડના સાંકડા માર્ગ પર ડબલ પાર્કિંગ કરી દાદાગીરી..!
વડોદરા મહાનગરપાલિકા ના ખાડે ગયેલા વહીવટના પાપે આખા શહેરમાં દબાણો દૂર કરતા દબાણ શાખાને ટ્રાફિકથી ધમધમતા રોડ પર દબાણ કરવાનો પરવાનો મળી ગયો હોય તેમ લાગી રહ્યું છે.
વડોદરા શહેરમાં શાસકો વહીવટી તંત્ર પર પકડ ગુમાવી ચુક્યા છે એના બોલતા પુરાવા છાશવારે જોવા મળે છે. પાલિકાની વડી કચેરી જ્યાં મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિત અન્ય નેતાઓ અને અધિકારીઓ રોજ આવે છે અને શહેર વિકાસ તરફ આગળ વધી રહ્યું હોવાના દાવા કરતાં થાકતા નથી. જો કે પાલિકાની કચેરીની બહાર જ આ દાવાની પોલ ખુલી જાય છે. આખા શહેરમાં દબાણો દૂર કરવા ધમપછાડા કરતાં દબાણ શાખાની કામગીરી હંમેશા વિવાદ નું કેન્દ્ર બને છે.
દબાણ શાખાની કામગીરી વિવાદમાં આવવાનું મુખ્ય કારણ એ છે કે દબાણ શાખા પાસે કોઈ પણ પ્રકારની આવડત નથી. બે ચાર નેતાઓના ઈશારે દોડી દોડી ને દબાણો દૂર કરતાં દબાણ શાખાના અધિકારીઓને પાલિકાની ચારેય તરફ થતાં દબાણો દેખાતા નથી. આથી વિશેષ દબાણ શાખાના વાહનો આડેધડ પાર્ક કરી જાહેર માર્ગ પર દબાણો કરવામાં આવે છે. ટ્રાફિક થી ધમધમતા રાજમહેલ રોડ પર પાલિકાની કચેરી બહાર સાંકડા રોડ પર દબાણ શાખાના વાહનો રોડ પર પાર્ક કરવામાં આવે છે. બસ સ્ટેન્ડ પણ છોડવામાં આવતું નથી. બસ સ્ટેન્ડ આગળ જીપ પાર્ક કરવામાં આવે છે. દ્વિમાર્ગીય રોડ નો એક આખો રોડ દબાણ શાખાના વાહનો માટે ફાળવી દીધો હોય તેમ આડેધડ વાહનો ઉભા રાખવામાં આવે છે. પાર્કિંગ માં કાર પાર્ક કરી હોય તેની આગળ ટ્રક પાર્ક થાય છે. દબાણ શાખાની દાદાગીરી અંગે અમે અધિકારી પુછ્યું તો તેમણે જવાબ આપવાનું પણ ટાળ્યું હતું.
પાલિકાના ઉચ્ચ અધિકારીઓ જે દરવાજે થી ઓફિસમાં જાય છે તેની બહાર જ દબાણ શાખા દબાણ કરે છે. તો શું આ અધિકારીઓને તેમની એરકન્ડિશન કારમાંથી નહીં દેખાતું હોય..?