- સૌથી વધુ વડોદરા શહેર અને ઓછા કરજણ બેઠક પર મતદારો નોંધાયા
વડોદરા શહેર અને જિલ્લામાં તાજેતરમાં હાથ ધરાયેલી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાદ વડોદરાની ૧૦ વિધાનસભા બેઠકો પર ૯૨૬૦ મતદારો વધ્યા છે જ્યારે ૫૩૧૦ મતદારોના નામો કમી કરવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીમાં નવા નામો ઉમેરવા તેમજ સુધારા-વધારા કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત રવિવારે ખાસ ઝુંબેશ પણ રાખવામાં આવી હતી. મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ચૂંટણી અધિકારીઓ દ્વારા દાવાઓની ચકાસણી કર્યા બાદ વડોદરાની ૧૦ વિધાનસભા બેઠકો પર કુલ ૨૬૦૮૬૭૪ મતદારો નોંધાયા હતાં. આ મતદારોમાં ૧૩૩૪૮૩૫ પુરુષ અને ૧૨૭૩૮૩૯ મતદારો સ્ત્રીઓ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વિવિધ કારણોસર જેમ કે મૃત્યુ, શિફ્ટ અથવા રિપિટ થતાં મતદારોના નામો કમી પણ કરવામાં આવ્યા હતાં. આ સંખ્યા ૫૩૧૦ છે. આમ મતદારાયાદીમાં ઉપરોક્ત સંખ્યાના મતદારો બાકાત થઇ ગયા છે. મતદારયાદીના આંકડા જોઇએ તો સૌથી વધુ મતદારો વડોદરા શહેર બેઠક પર નોધાયા છે જ્યારે સૌથી ઓછા મતદારોની કરજણ બેઠક પર નોંધણી થઇ છે.