કિશનવાડીમાં ચોથું અર્બન હેલ્થ સેન્ટર બનીને તૈયાર, દોઢ મહિનામાં શરૂ થાય તેવી ધારણાં

પાલિકાએ અટલાદરા, છાણી અને માંજલપુરમાં નવા અર્બન હેલ્થ સેન્ટર બનાયાં

MailVadodara.com - The-fourth-urban-health-center-in-Kishanwadi-is-ready-expected-to-start-in-one-and-a-half-months

- અપૂરતો સ્ટાફ હોવાથી લોકો મફત આરોગ્ય સુવિધાનો લાભ લઈ શકતા નથી

- છાણી, અટલાદરા અને માંજલપુરમાં બનેલા કોમ્યુનિટી સેન્ટરમાં અત્યાર સુધીમાં 12,000થી વધુ ઓપીડી દર્દીઓ સારવાર લઈ ચૂક્યા


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેર વિસ્તારમાં અટલાદરા, છાણી અને માંજલપુરમાં ત્રણ નવા અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવાયા છે અને કિશનવાડીમાં પણ બની રહ્યું છે. જે લગભગ દોઢ મહિનામાં શરૂ થઈ જાય તેવી ધારણા છે. છાણી, અટલાદરા અને માંજલપુર કોમ્યુનિટી સેન્ટર શરૂ થયાને આશરે છ મહિના જેટલો સમય થયો છે, જેમાં અત્યાર સુધીમાં 12,000થી વધુ ઓપીડી દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે. 


હાલ રોજના ત્રણેય સેન્ટર ખાતે સરેરાશ 100 દર્દીઓ આવી રહ્યા છે, લોકો આ સેન્ટરનો વધુને વધુ લાભ લે તે જરૂરી છે તેમ જણાવતા આરોગ્ય સમિતિના અધ્યક્ષ કહે છે કે, અહીં હિમોગ્રામ, બ્લડ ટેસ્ટ, કાર્ડિયોગ્રામ, એન્ટિબાયોટિક્સ દવાઓ વગેરે બધું મફત છે. હવે આ ત્રણેય સેન્ટર ખાતે એક્સ-રે માટેનું સેટઅપ ઊભું કરવા કેટલીક જરૂરી ખૂટતી સુવિધાઓ 15 દિવસમાં પૂર્ણ થતાં તે કાર્ય પણ ચાલુ કરી દેવામાં આવશે. દરેક સેન્ટર ખાતે 7-7 મેડિકલ ઓફિસર છે. ગાયનેક અને બાળકોના ડોક્ટરો પણ છે. અહીં એક સેન્ટરમાં 50 બેડ છે. તેમાં 25 મહિલાઓ માટે અને 25 પુરુષ માટે છે. હાલમાં શરદી, ખાંસી, તાવ અને વાયરલ ફલૂના દર્દીઓ વધુ આવી રહ્યા છે. જેમાં સામાન્ય દર્દી સિવાયના કોઈ સિરિયસ જણાય તો તેઓને સયાજી હોસ્પિટલ મોકલવામાં આવે છે. થોડા સમયમાં ડિલિવરીના કેસ પણ લેવાનું શરૂ થઈ જશે . ઇન્ડોર પેશન્ટ પણ આવી રહ્યા છે. ઉક્ત-3 હેલ્થ સેન્ટર આશરે 14 કરોડના ખર્ચે બનાવાયા છે.

બીજી બાજુ કોંગ્રેસનું કહેવું છે કે બાકી સુવિધાઓના અભાવના કારણે લોકો સરકારની સુવિધાઓનો લાભ લઈ શકતા નથી. એક્સ-રે અને સોનોગ્રાફી માટે બહાર જવું પડે છે. સ્ટાફ પૂરતો નથી, ડોક્ટરો અપૂરતા છે. જો વેળાસર આ બધી ખામીઓ દૂર થાય તો લોકો મફતમાં આરોગ્ય સુવિધાનો લાભ લઇ શકે. બાકી હાલ આ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે.

Share :

Leave a Comments