અકોટામાં ફાઇનાન્સ કંપનીના સર્વર રૂમમાં આગ લાશ્કરોએ ઓફિસના કાચ તોડી આગ કાબુમાં લીધી

અકોટાના ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં ચોલામંડલમ ફાઇનાન્સ ઓફિસમાં આગ લાગી હતી

MailVadodara.com - The-fire-brigade-broke-the-glass-of-the-office-and-put-out-the-fire-in-the-server-room-of-the-finance-company-in-Akota

- પાણી ભરવા ગયેલા કર્મચારીનું ધ્યાન ગયું, 50થી વધુ લોકો હાજર હતા, આગના પગલે ફર્નિચર, લેપટોપ, કમ્પ્યુટર, ફાઈલો વગેરે બળીને ખાખ થઈ ગયા

- ફાયર બ્રિગેડ દ્વારા એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો


વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલ ઊર્મિ ચાર રસ્તા નજીક ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલી ચોલામંડલમ ફાઇનાન્સ બેંકની ઓફિસમાં ભર બપોરે આગ ફાટી નીકળી હતી. અચાનક સર્વર રૂમમાં ભડકો થતાં અફરાતફરી મચી ગઈ હતી. ઓફિસમાં ધુમાડો જોતા જ કર્મચારીઓ ઓફિસ છોડી નીચે ઉતરી આવ્યા હતા. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ઓફિસના કાચ તોડીને આગને કાબુમાં લીધી હતી.


મળતી માહિતી મુજબ, શહેરના અકોટા વિસ્તારના ઊર્મિ ચાર રસ્તા નજીક આવેલ ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલ ચોલામંડલમ ફાઇનાન્સની ઓફિસમાં સર્વર રૂમમાં આગ ફાટી નીકળી હતી. પાણી ભરવા ગયેલા કર્મચારીનું ધ્યાન ઓફિસમાં લાગેલ આગ પર પડતા તેણે ઓફિસમાં હાજર કર્મચારીઓને જાણ કરતા કર્મચારીઓએ દોડધામ કરી મૂકી હતી. અને સહી સલામત ઓફિસ નીચે ઉતરી આવ્યા હતા.


ફાયર બ્રિગેડના સુત્રોના જણાવ્યા પ્રમાણે, ઓફિસમાં 50થી વધુ લોકો હાજર હતા. જોત-જોતામાં આગના ધુમાડાના ગોટે ગોટા ઓફિસમાં ફેલાઈ ગયા હતા. ફાયર બ્રિગેડને ઘટના અંગે જાણ કરવાંમાં આવતા ફાયર લશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે, બિલ્ડિંગમાં જવા માટે કોઈ જગ્યા ના હોઈ અને બિલ્ડીંગ કાચની હોઈ ફાયર લશ્કરોએ આગ લાગેલ બીજા માળનો કાચ તોડી ફાયર બ્રિગેડની સીડીનો સહારો લઇ આગ પર કાબુ મેળવ્યો હતો. ધુમાડો હોવાના કારણે ફાયર લાશ્કરોને ઓક્સિજન માસ્ક પહેરી આગ કાબુમાં લેવાની ફરજ પડી હતી. 


આગ લાગતા ઓફિસમાં અફરાતફરી મચી ગઈ હતી. જેને પગલે ઓફિસમાં હાજર એક યુવક પોતાનો જીવ બચાવા ટેરેસ પર ચડી જતા ફાયર બ્રિગેડ દ્વારા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઓફિસ પાસે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મળતી માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મું છે. આગના પગલે ફર્નિચર, લેપટોપ, કમ્પ્યુટર, ફાઈલો વગેરે બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Share :

Leave a Comments