વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં 1.88 કરોડના ખર્ચે તૈયાર સાયકલ ટ્રેક આજથી લોકો માટે શરૂ કરાયો

મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના ચારેય ઝોનમાં આવો સાયકલ ટ્રેક બનાવવા માંગે છે!

MailVadodara.com - The-cycle-track-prepared-at-a-cost-of-1-88-crores-in-the-eastern-area-of-Vadodara-city-was-launched-for-public-from-today

- કોર્પોરેશન દ્વારા સાયકલ ટ્રેકના કામનું ખાતમુહૂર્ત બે વર્ષ અગાઉ કરાયું હતું


વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં 1.88 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સાઇકલ ટ્રેકને આજે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. બાઈસીકલ ઓન્લીના સાઈનેજિસ મૂકી રોડ ઉપર લાલ પટ્ટા દોરી અલગ સાયકલ ટ્રેક દર્શાવતા હિસ્સામાં વાહનોના પાર્કિંગ અને દબાણો છે, ત્યારે આ સાયકલ ટ્રેક કેટલો ઉપયોગી બનશે તે સવાલ છે. 

કોર્પોરેશનનું તંત્ર અને ટ્રાફિક પોલીસ પણ આ સાયકલ ટ્રેક પર લોકો વાહન પાર્ક ન કરે અને દબાણ ન થાય તે માટે કાયમી વ્યવસ્થા ગોઠવી શકશે કે કેમ તે પણ મોટો પ્રશ્ન છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના કહેવા અનુસાર શહેરના ચારેય ઝોનમાં કોર્પોરેશન આવો સાયકલ ટ્રેક બનાવવા માંગે છે. નાના-મોટા મુદ્દાને બાદ કરતા તે ઉપયોગી બની રહેશે. પબ્લિકની આ જાહેર મિલકત છે, લોકોના વપરાશ હેતુ માટે આ સાઇકલ ટ્રેક બનાવાયો છે, અને તેના હેતુ માટે જળવાઈ રહે તે માટે લોકોએ પણ અનુશાસનમાં રહેવું પડશે. સાયકલ ટ્રેક પર પાર્કિંગ કરીને અથવા બીજા દબાણ ન થાય તે જોવાની ફરજ લોકોની છે. સાયકલ ટ્રેક પર માત્ર સાયકલ ચલાવવા જ લોકોએ પ્રાધાન્ય આપવું પડશે.


કોર્પોરેશન દ્વારા સાયકલ ટ્રેકના કામનું ખાતમુહૂર્ત બે વર્ષ અગાઉ કરવામાં આવ્યું હતું. કામગીરી માટે વર્ક ઓર્ડર તારીખ 29-10-2021 ના રોજ અપાયો હતો અને કામ 250 દિવસમાં પૂર્ણ કરવાનું હતું. પાણીગેટ ત્રણ રસ્તાથી સુલેમાની ચાલ થઈને વૃંદાવન ચાર રસ્તા થઈ, સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ થઈ પરત પાણી ટાંકી સુધી આ સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. વડોદરા શહેરના આજવા અને વાઘોડિયાને જોડતા ટ્રેક ઉપર ત્રિકોણ આકારમાં સાયકલ ટ્રેક આશરે ચાર કિલોમીટરની લંબાઈ ધરાવે છે.


છત્રીસ મીટરની પહોળાઈ ધરાવતા રોડ પર એક બાજુના ભાગે જ્યાં કાચો રસ્તો હતો ત્યાં આ સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. જેના પર માત્ર સાઇકલ ચલાવી શકાશે, એ સિવાય બીજા કોઈ વાહનોને ચલાવવાની છૂટ નહિ મળે તેવું કોર્પોરેશન હાલ વિચારી રહ્યું છે, પરંતુ તેનું પાલન કરવું શક્ય કે છે કે કેમ તે પણ મોટો પ્રશ્ન છે. કોર્પોરેશન હવે સમા-સાવલી રોડથી છાણી કેનાલ સુધી આશરે ત્રણ કરોડના ખર્ચે 2.3 કિલોમીટર લાંબો સાયકલ અને જોગિંગ ટ્રેક પણ બનાવવાની છે.

Share :

Leave a Comments