શહેર સહિત સમગ્ર રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 9 કેસ નોંધાયા છે, જ્યારે હાલમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 41 થઈ છે. હાલમાં તબીબો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે, હાલમાં જોવા મળી રહેલ વાયરલ ફિવર અને કોરોના કેસોમાં સામાન્ય લક્ષણો સામે લોકોએ સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે. ફરી એકવાર લોકોએ કોરોના સામે રક્ષણ મેળવવા સેનીટાઇઝર અને માસ્કનો ઉપયોગ કરવો પડશે. હાલમાં શહેરના બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો માસ્ક વગર ફરી રહ્યા છે. જેના કારણે દિવસેને દિવસે કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જે એક ચિંતાજનક બાબત છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે હાલમાં શહેરમાં કુલ 41 દર્દીઓ કોરોના પોઝિટિવ છે. ગત 24 કલાકમાં શહેરમાં 9 કેસ નોંધાયા હતા. હાલ સુધીમાં કોરોના કેસોનો આંક 1,00,972 પર પહુચ્યો છે. જ્યાં મૃત્યુઆંક 544 થયો છે. અત્યાર સુધીમાં 1,00,387 લોકો કોરોનાની માત આપી ચુક્યા છે. હાલમાં શહેરમાં કવોરન્ટાઇન વ્યક્તિઓ 36 દર્દીઓ નોંધાયા છે.
હાલમાં શહેરમાં તંત્ર તમામ રીતે પોહચી વળવા તૈયાર છે, પરંતુ લોકોએ સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે. ગઈકાલે સાંજે એક મહિલા કોરોના પોઝિટિવ હોઈ સારવાર લઈ રહી હતી. દરમ્યાન કોઈને જાણ કર્યા વગર સયાજી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગઈ હતી. બાદમાં આ મહિલાને શોધવા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. આ જ રીતે લોકો કાળજી લેવાની જગ્યાએ બેદરકારી રાખશે તો કોરોના ફરી એકવાર માથું ઊંચકે તો તેમાં નવાઈ નહીં.