- કોર્પોરેશને પાંચ વર્ષ પહેલાં જ કામ હાથ ઉપર લીધું હતું પરંતુ, પર્યાવરણવિદોએ બ્રિજની કામગીરી દરમિયાન જળચર જીવોને નુકશાન થશે તેવું કારણ બતાવી વિરોધ કર્યો હતો
- વડોદરા પાલિકા દ્વારા માણેક પાર્ક ચાર રસ્તા, સરદાર એસ્ટેટ, ખોડીયારનગર, સંગમ, વૃંદાવન ચોકડી સહિત રૂપિયા 290 કરોડના ખર્ચે 6 ફ્લાય ઓવર બ્રિજ બનાવાશે
વડોદરા મહાનગર સેવાસદન શહેરના જેલરોડથી સયાજીગંજ કાલાઘોડાને જોડતા વિશ્વામિત્રી નદી ઉપરના 125 વર્ષ જુના બ્રિજને રૂપિયા 25 કરોડના ખર્ચે પિલર લેસ બનાવવા જઇ રહ્યો છે. નોંધનીય છે કે, પાલિકા દ્વારા પાંચ વર્ષ પહેલાં આ બ્રિજ બનાવવાનું કામ હાથ ઉપર લીધું હતું. પરંતુ, પર્યાવરણવિદોના વિરોધના કારણે કામ પડતું મૂકાયું હતું. હવે જળચર જીવોને નુકશાન ન થાય તે રીતે આ બ્રિજ નવિન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં રૂપિયા 290 કરોડના ખર્ચે નવા 6 ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરના વર્ષો જુના બ્રિજોના સમારકામ સાથે વધી રહેલા ટ્રાફિક ભારણને ધ્યાનમાં લઇ નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની કવાયત હાથ ધરી છે. વડોદરા કોર્પોરેશન દ્વારા જેલરોડથી કાલાઘોડા માર્ગને જોડતા વિશ્વામિત્રી નદી ઉપરના બ્રિજને રૂપિયા 25 કરોડના ખર્ચે પિલર લેસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગેની દરખાસ્ત સ્થાયિ સમિતીમાં મંજૂરી માટે આવી છે.
ઉલ્લેખનિય છે કે, કાલાઘોડા બ્રિજ તરીકે ઓળખાતો આ બ્રિજ સર સયાજીરાવ ગાયકવાડના શાસન સમયનો છે. 125 વર્ષ જુના મનાતા આ બ્રિજને નવો બનાવવા માટે કોર્પોરેશન દ્વારા પાંચ વર્ષ પહેલાં જ કામ હાથ ઉપર લીધું હતું. પરંતુ, પર્યાવરણવિદોએ બ્રિજની કામગીરી દરમિયાન જળચર જીવોને નુકશાન થશે તેવું કારણ બતાવી વિરોધ કર્યો હતો. પરિણામે આ કામ પડતું મૂકવામાં આવ્યું હતું. હવે પાલિકા દ્વારા પર્યાવરણવિદોની માંગને સ્વિકારી જળચર જીવોને નુકશાન ન થાય અને પર્યાવરણને નુકશાન ન થાય તે રીતે 25 કરોડના ખર્ચે નવો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેલરોડથી કાલાઘોડા સયાજીગંજને જોડતો આ બ્રિજ વર્ષો જુનો અને શહેરની મધ્યમાં આવેલો બ્રિજ છે. આ બ્રિજ ઉપરથી પ્રતિદિન હજારોની સંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થાય છે. આ બ્રિજ 24 કલાક વાહનોથી ધમધમતો રહે છે. આ બ્રિજ નવો બન્યા બાદ શહેરની શોભામાં પણ ઉમેરો થશે. આ બ્રિજની કામગીરી વહેલી તકે શરૂ થાય તે માટે પાલિકાએ કવાયત હાથ ધરી છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ દરખાસ્ત તૈયાર કરીને સ્થાયિ સમિતીમાં મંજૂરી માટે મોકલી આપી છે. આ ઉપરાંત પાલિકા દ્વારા વડોદરા શહેરમાં માણેક પાર્ક ચાર રસ્તા, સરદાર એસ્ટેટ, ખોડીયારનગર, સંગમ, વૃંદાવન ચોકડી સહિત રૂપિયા 290 કરોડના ખર્ચે 6 ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગામી તા. 6 સપ્ટેમ્બર 23 સુધીમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે.
પાલિકા દ્વારા પૂર્વ વિસ્તારમાં એક પણ બ્રિજ બનાવવામાં આવ્યો નથી. જેના કારણે ખોડીયારનગર, સરદાર એસ્ટેટ, વૃંદાવન ચાર રસ્તા જેવા સ્થળે ટ્રાફિક સમસ્યા રહે છે. પીકઅવર્સમાં લોકોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાઇ રહેવું પડે છે. આ સ્થિતીને ધ્યાનમાં લઇ પાલિકા દ્વારા સરદાર એસ્ટેટ પાસેથી પસાર થતા 40 મીટરના રીંગરોડ ઉપર 50.07 કરોડ, વૃંદાવન ચોકડી વાઘોડિયા રોડ ઉપર 48.52 કરોડ, ન્યુ વીઆઇપી રોડ ખોડીયારનગર ખાતે 59.06 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવશે.
જ્યારે પશ્ચિમ વિસ્તારમાં વાસણા ચોકડી ઉપર 39.30 કરોડ, સન ફાર્મા-ભાયલીને જોડતા રોડ ઉપર 50.22 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવનાર છે. જ્યારે ઉત્તર વિસ્તારમાં સમા તળાવ ચાર રસ્તા પાસે 42.30 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવશે. આ તમામ 6 ફ્લાય ઓવર બ્રિજ માટે 290 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જે અંગે રાજ્ય સરકાર દ્વારા પણ મંજૂરી મળી ગઇ છે. કોર્પોરેશન દ્વારા આ ફ્લાય ઓવર બ્રિજની કામગીરી વહેલીતકે શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.
સ્થાયી સમિતીના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના વિકાસમાં આગેકૂચ કરી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા જેલરોડથી કાલાઘોડાને જોડતા વિશ્વામિત્રી નદી ઉપરનો હયાત બ્રિજ 25 કરોડના ખર્ચે નવો પિલર લેસ બનાવવામાં આવશે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા શહેરમાં વધતા જતા ટ્રાફિક ભારણને લઇ નવા 6 બ્રિજો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને તે માટે ટેન્ડર પ્રક્રિયા કરી દેવામાં આવી છે. આગામી 6 સપ્ટેમ્બર-023 સુધીમાં ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે.