વિશ્વામિત્રીમાં કૂદી જીવન ટુંકાવનાર આધેડનો મૃતદેહ 5 કિમી દૂર મુજમહુડા પાસેથી મળ્યો

ગતરોજ ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે અગમ્ય કારણોસર નદીમાં ઝંપલાવ્યું હતું

MailVadodara.com - The-body-of-a-middle-aged-man-who-ended-his-life-by-jumping-into-the-Vishwamitri-River-was-found-5-km-away-near-Mujmhuda

- યવતેશ્વર કમ્પાઉન્ડ પાસે એક્ટિવા અને નદી પાસે ચપ્પલ પડેલા જોવા મળ્યા હતા

વડોદરા શહેરના કાલાઘોડા પાસે આવેલ વિશ્વામિત્રી નદીમાં ગતરોજ ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવર નોકરી કરતા રૂપેશ રાણાએ અગમ્ય કારણોસર નદીમાં ઝંપલાવ્યું હતું. ભારે શોધખોળ બાદ આધેડનો મૃતદેહ 5 કિલોમીટર દૂર મુજ મહુડા પાસે વિશ્વામિત્રી નદીમાંથી મળી આવ્યો હતો જેને લઈ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગત રોજ ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરિકે નોકરી કરતા રૂપેશ રાણાએ અગમ્ય કારણોસર વિશ્વામિત્રી નદીમાં કાલાઘોડા પાસે ઝંપલાવ્યું હતું. પંચમુખી હનુમાનજી મંદિર સામે આવેલા યવતેશ્વર કમ્પાઉન્ડ પાસે એક્ટિવા અને નદી પાસે ચપ્પલ પડેલા જોવા મળ્યા હતા. બનાવની જાણ કરવામાં આવતા રાવપુરા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનો પણ તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેઓ દ્વારા નદીના ઊંડા પાણીમાં મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી.

આ વિસ્તારમાં મગરોનું આશ્રય સ્થાન હોવાથી ફાયરબ્રિગેડના જવાનો દ્વારા સાવચેતી પૂર્વક નદીમાં ઝંપલાવનારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે, ગત રોજ કલાકોની જહેમત બાદ પણ ફાયરબ્રિગેડના જવાનોને નદીમાં ડૂબી જનાર વ્યક્તિની કોઈ ભાળ મળી ન હતી. જ્યારે બનાવની જાણ થતાં પરિવારના સભ્યોને થતા તેઓ પણ નદી કિનારે આવી પહોંચ્યા હતા. દરમિયાન ઘટના બન્યાના સ્થળ પરથી પાંચ કિલોમીટર દૂર શહેરના મુજમહુડા વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પાણીમાંથી આજે મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવને લઈ પોલીસે મૃતદેહનો કબજો લઇ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ગત રોજ પાણીમાં ડૂબવાના ત્રણ બનાવો સામે આવ્યા હતા. જેમાં મહીસાગરમાં એક યુવકે ઝંપલાવ્યું હતું તેનો મૃતદેહ પણ મળી આવ્યો છે. જ્યારે હજુ સેવાસી કેનાલ ભીમપુરા પાસે એક વ્યક્તિની શોધખોળ હજુ ચાલુ છે.

Share :

Leave a Comments