- માતા બંને દીકરીને મોપેડ પર લઈ માડોધર ગામ ભાઈના ઘરે જતી હતી ત્યારે અકસ્માત નડ્યો
- હિટ એન્ડ રનને અંજામ આપી ફરાર થયેલા ડમ્પરચાલકની શોધખોળ શરૂ
- ઘટનાની જાણ થતાં સાઉદી અરબમાં નોકરી કરતા પિતા પણ વડોદરા આવી પહોંચ્યા
વડોદરાના વાઘોડિયા તાલુકાના માડોધર રોડ પર બે દિવસ પહેલાં હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ડમ્પરચાલકે બેફામ સ્પીડે ચલાવી મોપેડ પર જઈ રહેલાં માતા અને બે પુત્રીને અડફેટે લેતાં કાવ્યા નામની એક પુત્રીનું મોત નીપજ્યું છે, જ્યારે માતા સ્નેહાલીબેન અને જીલને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયાં છે. હિટ એન્ડ રનની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે અકસ્માત સર્જી ફરાર થયેલા ડમ્પરચાલકની શોધખોળ હાથ ધરી છે.
માતા બંને દીકરીને મોપેડ પર લઈ માડોધર ગામ ભાઈના ઘરે જઈ રહી હતી ત્યારે એક ડમ્પરચાલકે તેમને અડફેટે લેતાં તેઓ રોડ પર પટકાયાં હતાં. આ ઘટનામાં દીકરી કાવ્યા પટેલ (ઉં. 12)ને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સ્નેહાલીબેન પટેલ (ઉં. 32) તથા જીલ પટેલ (ઉં. 10)ને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. એ બાદ તમામને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં, જ્યાં કાવ્યા પટેલનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. એને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.
મળેલી માહિતી પ્રમાણે, વાઘોડિયા તાલુકાના રવાલ ગામના વતની અને હાલ બી-13, શિવકૃપા સોસાયટીમાં 32 વર્ષીય સ્નેહાલીબહેન નીતિનકુમાર પટેલ બે દીકરી કાવ્યા ( ઉં.વ. 12 ) અને જીલ (ઉં.વ. 10) રહે છે. સ્નેહાલીબહેનના પતિ સાઉદી અરબ નોકરી માટે ગયા હતા. બે દિવસ પહેલાં સ્નેહાલીબહેન બે દીકરી પૈકી મોટી દીકરી કાવ્યા બીમાર હોવાથી તેણે ડોકટર પાસે લઇ ગયા હતા. દવા લીધા બાદ કાવ્યાએ માડોધર ગામમાં રહેતા મામા કૌશિકભાઇ પટેલના ઘરે મૂકી જવા માટે જણાવતાં માતા સ્નેહાલીબહેન બંને દીકરીને પોતાના મોપેડ ઉપર માડોધર 8, મહાદેવ ટાઉનશિપમા રહેતા ભાઇ કૌશિકભાઇ પટેલના ઘરે જવા માટે નીકળી હતી.
દરમિયાન માડોધર રોડ ઉપર ગેલેક્સી સોસાયટી સામે માતેલા સાંઢની જેમ પસાર થઇ રહેલા ડમ્પર સ્નેહાલીબહેન, તેની બે દીકરી કાવ્યા અને જીલ સવાર મોપેડને અડફેટે લઇ પચાસ મીટર સુધી ખેંચી જઇ ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં માતા અને બંને દીકરીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તમામને પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. એ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં 12 વર્ષની બીમાર કાવ્યાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે અકસ્માતનો ભોગ બનેલી કાવ્યાના મામા કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે કાવ્યા ધોરણ 7માં અભ્યાસ કરતી હતી અને જીલ ધોરણ 4માં અભ્યાસ કરે છે. બંને વાઘોડિયા ખાતેની એક જ સ્કૂલમાં છે. બહેન તેની દીકરીને લઇ મારા ઘરે આવતી હતી એ દરમિયાન આ ઘટના બની હતી. મારા બનેવી સાઉદી અરબમાં હતા. ઘટનાની જાણ કરતાં તેઓ મોડીરાત્રે આવી ગયા હતા. આજે કાવ્યાના પોસ્ટમોર્ટમ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
બીજી બાજુ વાઘોડિયા પોલીસે કૌશિકભાઇ પટેલની ફરિયાદના આધારે ફરાર ડમ્પરચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવથી માડોધર પંથકમાં ગમગીની ફેલાઈ ગઈ છે.