- કર્મચારીઓ સાથે બોલાચાલી કરી વૃદ્ધ દરવાજાની વચ્ચે ઉભા રહી જતાં મહિલાએ ત્યાંથી તેમને જવા દેવાનું કહેતા વૃદ્ધે ન છાજે તેવુ વર્તન કરી શારીરિક છેડતી કરી હતી
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી MGVCLની કચેરીએ પોતાના ઘર પાસેના વીજ પોલ ખસેડવાના કામ બાબતે આવેલા વૃદ્ધે સમગ્ર વીજ કચેરી માથે લઇને હોબાળો મચાવ્યો હતો. ત્યાર બાદ દાદાગીરી કરીને દરવાજા પાસે ઉભા રહી ગયા હતા અને ત્યાં પસાર થતી મહિલા સાથે ન છાજે તેવું વર્તન કરી તેમની શારીરિક છેડતી કરી હતી. ગોત્રી પોલીસે વૃદ્ધ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ઇસ્કોન મંદિર પાસે આવેલી મુરારીપાર્ક સોસાયટીમાં રહેતા નવીનચંદ્ર પટેલ (ઉં.વ.66) દ્વારા ગોત્રી એમજીવીસીએલની કચેરીમાં ઘર પાસેનો વીજ પોલ ખસેડવા મુદ્દે રજૂઆત કરી હતી. જેથી વીજ કચેરી દ્વારા આરપીએડી કરીને પોલ ખસેડવા માટેના એસ્ટીમેટનો લેટર વૃદ્ધના ઘરે મોકલ્યો હતો. પરંતુ તેઓ ઘરે હાજર ન હોય પરત વીજ કચેરી આવી ગયા હતા. ત્યાર બાદ વૃદ્ધ રોષ ભરાયા હતા અને 27 માર્ચના રોજ ગોત્રી વીજ કચેરીએ પહોંચી ગયા હતા અને કર્મચારીઓ સાથે બોલાચાલી કરીને સમગ્ર વીજ કચેરીમાં હંગામા સાથે હોબાળો મચાવ્યો હતો.
ત્યાર બાદ વીજ કચેરીના દરવાજાની વચ્ચે ઉભા રહી ગયા અને કોઇને અવરજવર કરવા દેતા ન હતા. દરમિયાન એક મહિલાએ ત્યાંથી તેમને જવા દેવાનું કહેતા આ વૃદ્ધે તેમની સાથે ન છાજે તેવુ વર્તન કરવા સાથે શારીરિક છેડતી પણ કરી હતી. આ ઉપરાંત કચેરીમાં કામ કરતા કર્મચારીઓના વીડિયો ઉતારી લીધો હતો. જેની ગોત્રી સબ ડિવિઝનના નાયબ ઇજનેર સબુરભાઇ બારીયાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ વૃદ્ધ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.