- ફાયરની ટીમે વીજ પુરવઠો બંધ કરાવી આગ પર કાબૂ મેળવ્યો,
- વીજ વાયર તૂટતા આગ લાગી હોવાની સંભાવના, 24 કલાકમાં નાના-મોટા આગના 9 કોલ મળ્યા
હાલમાં કાળજાળ ગરમીના પ્રકોપ વચ્ચે વડોદરા શહેરમાં આગના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે. સમી સાંજ પડતા જ શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ જનમહેલ સીટી બસ સ્ટોપમાં સ્પેરમાં રહેલ સીટી બસમાં અચાનક આગ લાગી હતી. ઉપરથી વીજ વાયર પસાર થાય છે અને ઇલેક્ટ્રિક વીજ વાયર પણ બસ પર પડ્યો હતો ત્યારે આ આગ ક્યા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. પરંતુ આ આગ ભભૂકી ઉઠતો અફરા તફરી મચી જવા પામી હતી.
વડોદરા શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલા સિટી બસ સેવા જનમહેલમાં પાર્કિંગમાં અને સ્પેરમાં રાખેલી સીટી બસમાં અચાનક આગનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવની જાણ થતા તાત્કાલિક આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ અંગેનો કોલ વડોદરા ફાયર વિભાગની ટીમને મળતા તાત્કાલિક ઘટના સ્થળે દાંડિયા બજાર ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી. ઉપરથી વીજ પ્રવાહ પસાર થતો હોવાથી વીજ પુરવઠો બંધ કરાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ અંગે વિનાયક લોજિસ્ટિકના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, અમારી બસ સવારથી આ જગ્યા પર ઊભી હતી. આ બસમાં કોઈ હોતું નહીં, આ બસ એની રૂટમાં જતી બસની સ્પેરમાં હતી. બસ પર વીજ વાયર તૂટતા આગ લાગી હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં આગ કાબુમા આવી છે, પરંતુ આ બસ બળીને ખાખ થતા 10 લાખથી વધુનું નુકસાન થયું છે.
મહત્વની બાબત છે કે, હાલમાં ખૂબ ગરમી પડી રહી છે ત્યારે વડોદરા ફાયર વિભાગને પણ વધુ કોલ મળી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નાના-મોટા આગના 9 કોલ મળ્યા છે. જેમાં સેન્ટિંગના તંબુમાં આગ, જંબુસર જીઆઈડીસી,શોર્ટસાર્કિટ, મકરપુરા લાકડાંના પીઠામાં આગ, ભાયલી કચરામાં આગ સાથે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં કચરાની ગાડીમાં આગ સાથે દેણા ચોકડી પાસે ટ્રક સળગવાનો કોલ મળ્યો હતો.