- સંસ્કૃત માટેના ઓફલાઈન વર્ગો દર બુધવાર અને શનિવારે સાંજે 4 થી 6માં લેવાશે, સાડા ચાર મહિનાનો આ કોર્સ 1 સપ્ટેમ્બરથી શરૂ થશે
- છેલ્લાં 4 વર્ષમાં 16થી 82 વર્ષની વયના 250 વિદ્યાર્થીઓ સંસ્કૃત શિખ્યા
વડોદરા શહેરની એમ. એસ. યુનિવર્સીટીમાં સંસ્કૃત શીખવા માટેના કોર્સના એડમિશનની પ્રક્રિયા આવતીકાલથી શરુ થશે. આર્ટ્સ ફેકલ્ટીના સંસ્કૃત, પાલી અને પ્રાકૃત વિભાગના વડા ડો. શ્વેતા જેજુરકરે જણાવ્યું હતું કે, આ કોર્સની શરૂઆત 2019માં કરવામાં આવી હતી. જો કે, કોરોના કાળમાં આ કોર્સ ઓનલાઇન ચાલતો હતો. જો કે હવે કોર્સ ઓફલાઈન શરુ કરવામાં આવનાર છે. અમારે ત્યાં સંસ્કૃત શીખવા માટે ઉંમરનો કોઈ બાધ નથી. અત્યાર સુધીમાં 16 થી 82 વર્ષ સુધીની વયના આશરે 250 જેટલાં વિદ્યાર્થીઓ સંસ્કૃત શીખ્યા છે.
સેન્ટર ફોર સ્પોકન સંસ્કૃત, સંસ્કૃત, પાલી અને પ્રાકૃત વિભાગ, આર્ટ્સ ફેકલ્ટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા હેઠળ કમ્યુનિકેટિવ સંસ્કૃત સ્તર-1માં સર્ટિફિકેટ અભ્યાસક્રમ માટે ઓફલાઇન પ્રવેશ અરજીઓ મંગાવવામાં આવી છે. આ સર્ટિફિકેટ કોર્સ યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીમાં જ ઓફલાઇન શીખવવામાં આવશે. ઓફલાઈન વર્ગો દર બુધવાર અને શનિવારે સાંજે 4.00 થી 6.00 દરમિયાન લેવામાં આવશે. જેમાં ઉંમરનો કોઈ બાધ નથી. આ કોર્સ વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં વાતચીત કરવા માટે સંસ્કૃત ભાષામાં નિપુણતા આપશે. પ્રવેશની પ્રક્રિયા તા. 5 ઓગસ્ટ 2023 થી 20 ઓગસ્ટ 2023 સુધી (રજા સિવાય) રૂમ નં. 29, સંસ્કૃત, પાલી અને પ્રાકૃત વિભાગ, આર્ટ્સ ફેકલ્ટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે શરૂ થશે. 1 સપ્ટેબરથી આ કોર્સ શરુ થશે અને સાડા ચાર મહિનામાં કોર્સ પૂર્ણ થશે અને ત્યાર બાદ લેખિત પરીક્ષા અને વાયવા લેવામાં આવશે. પ્રથમ લેવલ માટે 3 હજાર ફી છે અને સેકન્ડ લેવલ માટે 4 હજાર ફી નક્કી કરાઈ છે.
આર્ટ્સ ફેકલ્ટીના સંસ્કૃત, પાલી અને પ્રાકૃત વિભાગના વડા ડો. શ્વેતા જેજુરકરે જણાવ્યું હતું કે, અહીં આવતા વિદ્યાર્થીઓ સંસ્કૃત બોલતા થઇ જાય છે. એક 82 વર્ષના ડોક્ટર પણ અમારે ત્યાં સંસ્કૃત શિખ્યા હતા.