- દુષ્કર્મ આચરનાર મૂળ પંચમહાલ જિલ્લાના શામળકૂવા ગામે રહેતા કમલેશ રાઠવા સામે હરણી પોલીસે દુષ્કર્મ, પોક્સો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
શહેરમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયેલા આરોપીને હરણી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. હવસખોર આરોપી વતન ભાગી જવાની ફીરાકમાં હતો, પરંતુ હરણી પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ આરોપી વતન ફરાર થાય તે પહેલાં તેને દબોચી લીધો હતો. પોલીસે ફરિયાદના આધારે હવસખોર સામે દુષ્કર્મ, પોક્સો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, મૂળ પંચમહાલ જિલ્લાના શામળકૂવા ગામના 25 વર્ષીય હવસખોર કમલેશ રાઠવા ઉર્ફ રવિ (હાલ રહે. 163, સંતોષીનગર, ખોડીયારનગર, વડોદરા) મજૂરી કામ માટે વતનથી આવ્યો હતો. મજૂરી કામે આવેલા કમલેશ ઉર્ફ રવિએ સગીરાને લાલચ આપીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.
સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ કમલેશ રાઠવાએ તેની સાથે મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ઇન્કાર કરે તો તેને ધમકી આપતો હતો અને પોતાની હવસ સંતોષતો હતો. કમલેશથી ત્રાસી ગયેલી સગીરાએ તેના પરિવારજનોને જાણ કરતા આખરે પરિવારજનોએ કમલેશ ઉર્ફ રવિ સામે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
હરણી પોલીસે ફરિયાદના આધારે હવસખોર સામે દુષ્કર્મ, પોક્સો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. હરણી પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. એમ.બી. રાઠોડે ફરિયાદ નોંધાતાની સાથેજ પોતાની ટીમના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ અને અનાર્મ લોક રક્ષક દળના મનદીપસિંહને આરોપીને શોધી કાઢવા માટે સુચના આપી હતી.
આ દરમિયાન હરણી પોલીસની ટીમે આરોપી કમલેશની ધરપકડ કરવા માટે તેના નિવાસ સ્થાને પહોંચી હતી, પરંતુ આરોપી મળી આવ્યો નહોતો. આથી પોલીસે તેની વિગત મેળવી મૂળ પંચમહાલ જિલ્લાના શામળકૂવા ગામના 25 વર્ષિય હવસખોર કમલેશ ધોળીયાભાઇ ઉર્ફ લક્ષ્મણભાઇ રાઠવા (હાલ રહે. 163, સંતોષીનગર, ખોડીયારનગર, વડોદરા) તેના વતન ભાગી છૂટે તે પહેલાં તેની ધરપકડ કરી લીધી હતી.
હરણી પોલીસે ઝડપાયેલા આરોપી કમલેશ ઉર્ફ રવિ રાઠવા તેમજ સગીરાના મેડિકલ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. તે સાથે પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે. આરોપીની પૂછપરછમાં અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય નહિં.