દિવાળી પર્વે ફટાકડા ફોડતા સમયે સલામતી રાખવા વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિયમો જાહેર કરાયાં

જાણો ફટાકડા ફોડતા સમયે સલામતી માટે શું કરવુ અને શું ન કરવું?

MailVadodara.com - The-Vadodara-Municipal-Corporation-announced-rules-to-maintain-safety-while-bursting-firecrackers-on-Diwali

- બેદરકારી દાખવશો તો મુશ્કેલીમાં મુકાશો, આગ લાગે તો 101 પર કોલ કરો

આગામી દિવસોમાં દિવાળી આવી રહી છે, ત્યારે દીવા પ્રગટાવવાની સાથે લોકો દિવાળી પર ફટાકડા ફોડવાને લઈને ખૂબ જ ઉત્સાહિત હોય છે. પરંતુ આ ઉત્સાહમાં થોડી બેદરકારી તમારી ખુશીને બગાડી શકે છે. જેનાં ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તકેદારી રૂપે કેટલાંક નિયમોને જાહેર કરવામાં આવ્યાં છે.

આમ તો ફટાકડા વિના લોકોને દિવાળીનો તહેવાર અધૂરો લાગે છે, પરંતુ જો તમે આ સમય દરમિયાન થોડી પણ બેદરકારી દાખવશો તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઇ શકો છો અને તમારા સમગ્ર તહેવારની સંપૂર્ણ મજા પણ બગાડી શકે છે. તેમાં પણ ખાસ કરીને ફટાકડા ફોડતી વખતે આંખોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહત્વનુ છે કે ફટાકડામાંથી નીકળતો ધુમાડો તમારા ફેફસાં અને આંખો માટે હાનિકારક છે અને તેમાંથી નીકળતી તણખાઓથી આંખોનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સેવા દ્વાર કેટલીક સૂચનાઓ જારી કરવામા આવી છે. તહેવાર દરમિયાન તકેદારી રાખવા નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.

- નાગરિકોને આ તકેદારી રાખવા સૂચન

  • જાહેરમાં ફટાકડા ફોડતી વખતે પ્રતિબંધિત વિસ્તારમાં ફટાકડા ફોડવામાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું.
  • બાળકો ફટાકડા ફોડતા હોય ત્યારે વડીલોએ અવશ્ય હાજર રહેવું તથા ફટાકડા ફોડતી વખતે સલામત અંતર રાખવું.
  • મકાનની છત તથા છાપરા પર પ્લાસ્ટીક, લાકડું, ગાદલા, પેપર, ઘાસ, તથા બિન જરૂરી સામાન ખુલ્લા રાખવા નહીં.
  • ફટાકડા હંમેશા સલામત જગ્યાએ મુકવા અને સાવચેતી રાખીને ફોડવા.
  • ફટાકડા કોઈપણ સંજોગોમાં ઘરમાં ફોડવા નહીં.
  • હવાઈ, ગુબ્બારા જેવા હવામાં ઉંચે જઈ ફૂટતા ફટાકડા પોળો કે સાંકડી શેરીઓમાં ફોડવા નહીં. આવા ફટાકડા હંમેશા ખુલ્લા મેદાનમાં જઈને જ ફોડવા તથા સાવચેતી રાખવી.
  • બાળકોને ફટાકડા રમવા માટે આપવા નહીં. રાત્રિના 10થી સવારે 6 કલાક સુધી ફટાકડા ફોડવા નહીં.
  • ફટાકડા ફોડતી વખતે હંમેશા પાણી ભરેલું ડ્રમ/વાસણ તૈયાર રાખો, જેથી આગ લાગે તો પણ આગને કાબુ કરી શકાય.
  • ફટાકડા હંમેશા લાઈસન્સ ધરાવતી દુકાનમાંથી ખરીદો.
  • ન ફુટેલા ફટાકડાની નજીક જવાની ભૂલ ક્યારેય ન કરો તેને બદલે નવો ફટાકડા ફોડી દિવાળીનો આનંદ માણો.
  • ખુલ્લા પ્લોટોમાં ઘાસ, બળતણ, ગોડાઉન, સ્ક્રેપ વગેરે માલ સામાન હોય તો સફાઈ કરવો. દિવાળીના તહેવારોમાં આવી જગ્યાઓ પર માલિકે પાણી ભરેલા ડ્રમો તથા ડોલો સાથે વોચમેન રાત્રીનાં સમયે રાખવો.
  • ફટાકડા ફોડતી વખતે અન્ય ફટાકડાંઓ નજીકમાં રાખવા નહીં.
  • ફટાકડા ફોડતી વખતે નાયલોન/સિન્થેટીક જેવા કપડાં પહેરવા નહીં. હંમેશા સુતરાઉ કપડા પહેરવા.
  • ફાયર બ્રિગેડનાં ઈમરજન્સી વાહનોની અવર જવર માટે જગ્યા ખુલ્લી/રસ્તાઓ રાખો.
  • એક બીજાને ફટાકડા ફોડવાથી નુકસાન ના થાય તેવી રીતે ફટાકડા સલામત રીતે ફોડવા.
  • આગ સામે સલામતી અપનાવો અને વિનાશ રોકો.
  • આગ-અકસ્માત સમયે અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગનો ટેલીફોન નં.101 તથા 102 ઉપર તાત્કાલિક સંપર્ક કરવો.

Share :

Leave a Comments