- પાલિકાની સામાન્ય સભામાં દરખાસ્ત મુકાઈ, જાે દરખાસ્ત મંજૂર થાય તો નવા શૈક્ષણિક સત્રથી તમામ ઝોનમાં ધોરણ નવનો વર્ગ શરૂ થશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરના ચાર ઝોનમાં એક એક માધ્યમિક શાળા શરૂ કરાશે, એટલે કે ધોરણ નવનો વર્ગ શરૂ થશે. આ માટે રાજ્ય સરકાર સમક્ષ જરૂરી મંજૂરી મેળવવા પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને ટૂંક સમયમાં તે મળી પણ જશે. આ દરમિયાન ચારેય ઝોનમાં પ્રાથમિક શાળા શરૂ કરવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ગયા એપ્રિલ મહિનામાં મળેલી સામાન્ય સભાએ એક દરખાસ્ત મંજૂર કરી હતી. એ દરખાસ્ત અંતિમ મંજૂરી માટે કોર્પોરેશનની સમગ્ર સભામાં રજૂ કરી છે. કોર્પોરેશનની સમગ્ર સભા તારીખ 19 ના રોજ મળશે. જેમાં એજન્ડા પર આ દરખાસ્ત મંજૂરી માટે મુકાઈ છે. એ અગાઉ સમિતિએ જે દરખાસ્ત મંજૂર કરી હતી તેમાં સો ટકા ખર્ચ કોર્પોરેશન ભોગવે તેવી જોગવાઈ ઉભી કરવા ઠરાવ્યું હતું. હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 120 શાળાઓ છે. જેમાં એક થી આઠ ધોરણના વર્ગો ચાલુ છે. શિક્ષણ સમિતિની શાળાઓમાં સામાન્ય રીતે આર્થિક રીતે નબળા વર્ગના બાળકોની સંખ્યા વધુ હોય છે. આઠ ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કરનાર ઘણા વિદ્યાર્થીઓ વાલીઓની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી આગળ ભણવાનું માંડી વાળે છે. જો શિક્ષણ સમિતિ ધોરણ નવ ચાલુ કરે તો ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટી શકે અને નબળા વર્ગના વિદ્યાર્થીને આગળ અભ્યાસનો મોકો મળી શકે.
ઉલ્લેખનીય છે કે, સુરત પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 1995થી ધોરણ 9 ના વર્ગો 29 શાળામાં ચાલે છે. થોડો સમય પહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ સુરત ગઈ હતી અને ત્યાં ધોરણ નવના વર્ગ માટેનું વહીવટી માળખું, પગાર સ્કેલ, સ્ટાફ ,બિલ્ડીંગ સ્ટ્રક્ચર વગેરેનો અભ્યાસ કર્યો હતો.
રાજ્ય સરકારની અને કોર્પોરેશનની મંજૂરી મળે તો નવા શૈક્ષણિક સત્ર થી જ ધોરણ નવ ના ચાર વર્ગ શરૂ કરી શકાય તેમ છે. જે ગોત્રી, અટલાદરા, આજવારોડ, ગાજર વાડી પાસે અને સંવાદ હરણી ખાતે શરૂ કરવામાં આવશે. જો ધોરણ નવ ના વર્ગ શરૂ થાય તો 80% ખર્ચ રાજ્ય સરકાર અને 20 ટકા ખર્ચ કોર્પોરેશન ભોગવશે એટલે કે કોર્પોરેશન ઉપર આ નવા વર્ગ શરૂ થતાં આર્થિક ભારણ વધશે.