ડેરીમાં લઇ જતાં દૂધના કેનમાંથી દૂધ ચોરી પાણીની ભેળસેળ કરતા ટેમ્પો ચાલકોને ગ્રામજનોએ રેકી કરી ઝડપી પાડ્યા

ગ્રામજનો અને દૂધ મંડળીના સંચાલકોએ મોડી રાત્રે ટેમ્પોમાંથી દૂધચોરી કરતા ટેમ્પો ચાલકો બે લોકોને પાડ્યા

MailVadodara.com - Tempo-drivers-who-were-stealing-milk-from-milk-cans-while-taking-it-to-the-dairy-and-mixing-it-with-water-were-chased-by-the-villagers

- મંડળી દ્વારા મોકલવામાં આવતા દૂધ અને બરોડા ડેરીમાં પહોંચતા દુધના ફેટમાં તફાવત આવતા  ગ્રામજનોને દૂધની ચોરી કરીને તેમાં પાણીની મિલાવટ થતી હોવાની શંકા ઉભી થઇ


વડોદરા જિલ્લાના દૂધ ઉત્પાદકો પાસેથી દુધનો જથ્થો લઈને બરોડા ડેરીમાં પહોંચાડતા ટેમ્પોના ચાલકો દ્વારા રસ્તામાં દૂધની ચોરી કરવામાં આવતી હોવાની ઘટના સાવલી તાલુકામાં સામે આવી છે. જ્યાં ગ્રામજનોએ જાતે જ રેકી કરીને ટેમ્પો ચાલકોને દૂધચોરી કરતા ઝડપી પાડી ડેરીના સત્તાધીશોને જાણ કરી હતી. આ દૂધ ચોરી કૌભાંડ અંગે બરોડા ડેરી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.


પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચિયા અને પસવા સહિતના આસપાસના ગામોની દૂધ મંડળીઓમાંથી 400 લિટર પશુપાલકોએ ભરેલું દૂધ બરોડા ડેરી સુધી પહોંચાડવા માટે તણામન રૂટ પર બરોડા ડેરી દ્વારા નક્કી કરેલો ટેમ્પો દુધના કેન કલેક્ટ કરતો હતો. જે ટેમ્પોમાં દૂધ બરોડા ડેરી ખાતે પહોંચાડવામાં આવે છે. જોકે છેલ્લા ઘણા સમયથી મંડળી દ્વારા મોકલવામાં આવતા દૂધ અને બરોડા ડેરીમાં પહોંચતા દુધના ફેટમાં તફાવત આવતા મંડળીને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવતો હતો. જેને લઈને ગ્રામજનોને દુધની ચોરી કરીને તેમાં પાણીની મિલાવટ થતી હોવાની શંકા ઉભી થઇ હતી. આ દરમિયાન ગ્રામજનોએ દૂધ લઈને જતા ટેમ્પો પર વોચ ગોઠવવાનું શરૂ કર્યું હતું. જેમાં ટેમ્પો ચાલકે દૂધ મંડળીઓ પરથી દૂધ કલેક્ટ કર્યા બાદ અવાવરી જગ્યા પર જઈને કેનમાંથી દૂધ કાઢીને પાણીની ભેળસેળ કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી હતી. ગ્રામજનો અને દૂધ મંડળીના સંચાલકોએ મોડી રાત્રે ટેમ્પોમાંથી દૂધચોરી કરતા ટેમ્પો ચાલકોને ઝડપી પાડી બરોડા ડેરીના સત્તાધીશોને જાણ કરી હતી.


કરચીયા ગામના ચંદુભાઈ રાણાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી દૂધની ચોરી થતી હતી. અનેક વખત અમોએ ડેરીના સત્તાધિશોને દૂધની ચોરી થતી હોવાની જાણ કરી હતી, પરંતુ બરોડા ડેરીના રૂટ સુપરવાઈઝરો દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નહોતી. આખરે અમોએ કરચીયા અને પસવા ગામની આસપાસ વોચ ગોઠવી દૂધ ભરેલા કેનોમાંથી દૂધની ચોરી કરી તેમાં ગટરનું પાણી ભેળસેળ કરી ડેરીમાં પહોંચતુ કરાતું હોવાનું કૌભાંડ ઝડપી પાડ્યું. આ કૌભાંડમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગ છે.

ગામના ઇમ્તિયાઝભાઈ રણાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી દૂધ મંડળીઓમાંથી બરોડા ડેરીમાં મોકલવામાં આવતા દૂધમાંથી ચોરી થઇ રહી છે. બરોડા ડેરીમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા અમો ગ્રામજનોએ દૂધ ચોરી ઝડપી પાડી છે. દૂધમાં પાણી મિક્ષ થતું હોવાથી દૂધ ભરનાર પશુપાલકોને પુરતું વળતર મળતું ન હતું. રાત્રે અધિકારીઓ દોડી આવ્યા હતા, પરંતુ કોઇ કાર્યવાહી કર્યા વગર જતા રહ્યા હતાં.


સમગ્ર મામલે ડેરીને જાણ થતા બરોડા ડેરીના અધિકારીઓની એક ટીમ સ્થળ પર પહોંચી હતી. દૂધચોરી મામલે ગ્રામજનોએ તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ અંગે બરોડા ડેરીના ઉપપ્રમુખ જી.બી. સોલંકીએ જણાવ્યું હતું કે, દૂધ ચોરીનો મામલો સામે આવ્યો છે. આ બાબતે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Share :

Leave a Comments