તરસાલી-ધનિયાવી-કાયાવરોહણ રોડની ધીમી ગતિએ ચાલતી કામગીરીથી વાહનચાલકો હેરાન

રોડને પહોળો અને મજબૂત કરવાના કામથી લોકો ચોમાસામાં પણ પરેશાન થશે!

MailVadodara.com - Tarsali-Dhaniyavi-Kayavarohan-Road-slow-moving-operation-annoys-motorists

- વડોદરાથી પવિત્ર યાત્રાધામ કાયાવરોહણ જવા માટે માત્ર ૨૦ કિ.મી.ના રોડનું કામ 12 વર્ષથી અટક્યા બાદ હાલ ચાલું થયું છે

વડોદરાથી પવિત્ર યાત્રાધામ કાયાવરોહણ જવા માટે માત્ર ૨૦ કિ.મી.ના રોડનું કામ વર્ષોથી અટક્યા બાદ હાલ ચાલું થયુ છે, પરંતું જે ગતિથી કામ ચાલે છે તેને જોતા ચોમાસામાં લોકો ચોક્કસ હેરાન થવાના તે નક્કી છે.

ઉલ્લેખનીય છે કે, તરસાલી-ધનિયાવી-કાયાવરોહણ રોડનું કામ હાલ ૧૨ વર્ષ બાદ શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ પંચાયત હસ્તક આ રોડ હવે શહેર માર્ગ અને મકાન હસ્તક આવી ગયો છે. અગાઉ રોડ માત્ર ૭ મીટર હતો, જે હવે ૧૦ મીટર થવાનો છે. આ રોડ નવો બન્યા બાદ કાયાવરોહણ જવા માટે લોકોને સરળતા રહેશે. રૂપિયા ૩૩.૬૧ કરોડના ખર્ચે આ રોડનું કામ ડિસેમ્બર-૨૦૨૨થી શરૂ થયું હતું અને ડિસેમ્બર-૨૦૨૩માં પૂર્ણ થવાનું છે, પરંતુ નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂરું થાય તેમ લાગતું નથી.


તરસાલી-ધનિયાવી-કાયાવરોહણ રોડની પહોળાઇ ઉપરાંત મજબૂતીકરણ હાથ ધરાવાનું છે. જૂના રોડને ખોદી નાંખી નવેસરથી રોડનું કામ કરવાનું શરૂ કરાયું છે, પરંતુ ખૂબ ધીમી ગતિથી ચાલતા કામના કારણે છેલ્લા છ મહિનાથી લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે. આખા રોડ પર હાલ સફેદ લાગતા મેટલ નાંખી દેવાયા છે જેના પગલે વાહનચાલકોને માંડ ૧૦ કે ૨૦ની સ્પીડે આ રોડ પરથી પસાર થવું પડે છે. એમ્બ્યુલન્સમાં જો કોઇ દર્દીને ઇમરજન્સીમાં લઇ જવો હોય તો દર્દી હોસ્પિટલમાં પહોંચે ત્યાં સુધી તેની  હાલત ગંભીર થઇ જાય તેવી સ્થિતિ આ રોડ પર છે. નવા બનતા આ રોડ પર ૨૮ સ્ટ્રક્ચરો બનાવવાના છે જેથી જૂના નાળા તોડીને તેને પહોળા પણ કરવાના છે.

Share :

Leave a Comments