વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે રીતે સ્ટ્રીટલાઇટનાં પોલ પર ગેરકાયદે રીતે કેબલ નેટવર્ક પ્રોવાઇડર, ઇન્ટરનેટ અને ટીવી કેબલ નેટવર્કના લગાવેલા કેબલો અને વાયરો દૂર કરવાની તાકીદ કરી છે, તે જ પ્રમાણે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડએ પણ પોતાના વીજ પોલ પરથી ટીવી તથા ઇન્ટરનેટ કેબલ નહીં લગાવવા સૂચના જારી કરી છે.
વીજ કંપની દ્વારા જણાવાયું છે કે આ પ્રકારના કેબલ અને વાયરોના કારણે પ્રાણ ઘાતક અકસ્માતો થવાની સંભાવના રહી છે. કેટલાક લોકો પોતાની મિલકતની રક્ષા માટે લાકડા અને સિમેન્ટની થાંભલીઓ ઉપર લોખંડના તાર વીંટાળીને વીજ પ્રવાહ દોડાવે છે, જેના કારણે અજાણતાથી પણ લોખંડના તાર સીધા સંપર્કમાં આવવાથી લોકો મોતને ભેટે છે. ઘણા લોકો કપડાં સૂકવવા માટે, શ્રીફળનો હાર બાંધવા, પશુઓને બાંધવા તથા લારી ગલ્લા માટે વીજળીના થાંભલાનો ઉપયોગ કરતા જણાય છે. કેટલાક લોકો હોર્ડિંગ બોર્ડ માટે પણ પોલ અને ટ્રાન્સફોર્મરની ફેન્સીંગનો ઉપયોગ કરે છે. જેના લીધે ટેકનીકલ ખામી સર્જાતા ક્યાંકથી પણ લીકેજ કરંટ આવવાના કારણે અકસ્માત થવાની શક્યતા રહે છે. આ પ્રકારની અપરાધિક પ્રવૃત્તિ સામાજિક રીતે ગુનાઈત છે. કોઈપણ પ્રાણી કે મનુષ્ય આ પ્રકારની પ્રવૃત્તિથી મૃત્યુ ન પામે તેને ધ્યાનમાં રાખીને આ બધું નહીં કરવા સૂચના જારી કરી છે.
જો કોઈ આ પ્રકારનું કાર્ય કરતા જણાય તો વીજ નિગમને જાણ કરવા જણાવ્યું છે. જેથી આવા લોકો સામે ફોજદારી રહે કાર્યવાહી કરી શકાય તેવી પણ અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત આવા કેબલ અને વાયરના કારણે વીજ કંપનીઓના કર્મચારીઓને રીપેરીંગમાં પણ તકલીફ પડતી હોય છે.