વડોદરામાં શાળા અને કોલેજની આસપાસ ઉભા રહેતા પાન-પડીકીના 75 લારી ગલ્લા બંધ કરાવ્યા

શાળાઓની આસપાસ પાન પડીકીનું વેચાણ થતું હોવાની ફરિયાદો પાલિકા તંત્રને મળી હતી

MailVadodara.com - Stopped-75-lari-galla-of-pan-padiki-standing-around-schools-and-colleges-in-Vadodara

- પાલિકાએ લારી ગલ્લા બંધ કરાવીને રૂપિયા 12300 દંડ પેટે વસૂલ કર્યા

કોલેજીયન યુવા અને શાળામાં ભણતા બાળધનને સિગારેટ અને પાન પડીકીના રવાડે ચડતા અટકાવવાના ઇરાદે શાળા કોલેજોની આસપાસ નિયત મર્યાદામાં પાન પડીકી અને સિગારેટનું વેચાણ કરનારા લારી-ગલ્લાવાળાઓ અંગે પાલિકા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરીને 75 લારી ગલ્લાવાળાઓ પાસેથી રૂ.12300 દંડ પેટે વસૂલાત કરીને તમામના લારી ગલ્લા બંધ કરાવીને નોટિસ આપવામાં આવી હતી.

પાલિકા સૂત્રોની વિગત એવી છે કે શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ 100 મીટરની હદમાં પાન પડીકી, સિગારેટ સહિત નશાકારક ચીજ વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ હોવાનું જાહેરનામું અસ્તિત્વમાં છે.  આમ છતાં આ જાહેરનામાનો સરેઆમ ભંગ કરીને કેટલાય લારી ગલ્લાવાળા શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ ખુલ્લેઆમ પાન પડીકી સિગારેટનું વેચાણ કરીને જાહેરનામાનો ભંગ કરતા હોય છે. જેથી શાળામાં ભણતા કુમળી વયના બાળકો અને કોલેજીયનો આવી આદતના કાયમી એદી બની જાય છે. આ અંગે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને શહેરની મધ્યમાં બે શાળાઓની આસપાસના નિયત 100 મીટરના અંતરમાં સિગારેટ બીડી પાન પડીકીનું લારી ગલ્લાવાળા ખુલ્લેઆમ વેચાણ કરતા હોવાની વારંવાર ફરિયાદો પાલિકા તંત્રને મળી હતી. આ અંગે મ્યુ.કમિશનર દિલીપ રાણાની સૂચનાથી ખોરાક શાખાના આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટરોએ મ.સ.યુનિવર્સિટી સહિત શહેરની મધ્યમાં આવેલ મહારાણી શાંતાદેવી સ્કૂલ સહિત અન્ય એક શાળાની બહારની બાજુએ આસપાસ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. 

આ ચેકિંગ દરમિયાન મ.સ.યુનિવર્સિટી આસપાસના નિયત અંતરમાં પાન પડીકી સિગારેટ અને બીડીનું ખુલ્લેઆમ વેચાણ કરતા 45 જેટલા પ્રત્યેક લારી ગલ્લાવાળા પાસેથી દંડ પેટે રૂ.200ની વસુલાત મળી કુલ રૂપિયા 9400 વસૂલ કર્યા હતા અને આવા તમામ લારી ગલ્લાવાળાઓને નોટિસ આપીને વેપાર ધંધો બંધ કરાવ્યો હતો. આવી જ રીતે શહેરની મધ્યમાં આવેલી મહારાણી શાંતાદેવી સ્કૂલ સહિત કુલ બે સ્કૂલની બહાર ઊભા રહેતા સિગારેટ બીડી અને તમાકુના લારી-ગલ્લાવાળાઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 13 લારી ગલ્લાવાળા પ્રત્યેક પાસેથી રૂપિયા 200 મળી કુલ રૂપિયા 2600 અને અન્ય બે લારી આ ગલ્લાવાળા પાસેથી કુલ મળીને રૂપિયા 200 સહિત કુલ રૂપિયા 2800 દંડ પેટે વસૂલ કરીને તમામ લારી ગલ્લાવાળાઓને નોટિસ આપી વેપાર ધંધો બંધ કરાવ્યો હતો. આમ પાલિકા દ્વારા કુલ 75 લારી ગલ્લા બંધ કરાવીને રૂપિયા 12300 દંડ પેટે વસૂલ કર્યા હતા.

Share :

Leave a Comments