ઉશ્કેરાયેલા ટોળાએ ફેતપુરાથી કારેલીબાગ પોલીસ મથક સુધીના રોડ ઉપરની સંખ્યાબંધ લારીઓની તોડફોડ કરી
આજે રામનવમી નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચતાં એકાએક પથ્થરમારો શરૂ થયો હતો, લોકોની દોડધામ મચી ગઈ હતી. એ સાથે તોફાની ટોળા દ્વારા રોડ ઉપરની લારીઓની પણ તોડફોડ કરવામાં આવી હતી. કોમી ભડકાથી રોડ ઉપરનાં બજારો ટપોટપ બંધ થઇ ગયાં હતાં. જોકે કોમી ભડકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ પોલીસકાફલો સ્થળ પર દોડી ગયો હતો અને તેમણે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
વડોદરામાં આજે રામનવમીની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી હતી. શહેરના સુપ્રસિદ્ધ રામજી મંદિરો સહિત નાનાં-મોટાં રામજી મંદિરોમાં વિવિધ કાર્યક્રમો સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી હતી, બીજી બાજુ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ-બંદોબસ્ત વચ્ચે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શોભાયાત્રા વાજતે-ગાજતે ફતેપુરા રોડ ઉપરથી પસાર થઇ રહી હતી. એ દરમિયાન પાંજરીગર મહોલ્લા પાસે શોભાયાત્રા ઉપર પથ્થરમારો થતાં નાસભાગ મચી ગઇ હતી. પથ્થરમારો થતાં જ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ફેતપુરાથી કારેલીબાગ પોલીસ મથક સુધીના રોડ ઉપરની સંખ્યાબંધ લારીઓની તોડફોડ કરવામાં આવી હતી. ફેતપુરા પાંજરીગર મહોલ્લા પાસે રામજીની શોભાયાત્રા ઉપર પથ્થરમારો થતાં પોલીસકાફલો ઊતરી આવ્યો હતો અને ગણતરીની મિનિટોમાં તોફાની ટોળાઓને વિખેરી પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસે રોડ પર ઊંધી પાડી દેવામાં આવેલી લારીઓ પણ સીધી કરી દીધી હતી. એ સાથે પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં તોફાનીઓની અટકાયત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.