- વડોદરામાં રસ્તા ઉપર રખડતા ગાયો સહિત પશુઓ ઉપર અંકુશ લાવવા માટે વર્ષે 2 કરોડનો ખર્ચ કરાય છે, રખડતા પશુઓ પકડવા 10 ટીમો 3 શિફ્ટમાં કામ કરે છે : ઢોર પાર્ટી વિભાગના અધિકારી
વડોદરા શહેર સહિત રાજ્ય સરકાર માટે રસ્તાઓ ઉપર રખડતી ગાયો સહિત પશુઓ માથાનો દુખાવો બન્યા છે. રસ્તાઓ ઉપર રખડતી ગાયોના કારણે અવાર-નવાર થતા અકસ્માતોને પગલે હાઇકોર્ટની સુચના બાદ રાજ્ય સરકાર દ્વારા રસ્તાઓ ઉપર રખડતા પશુઓ ઉપર અંકુશ મુકતી પોલિસી બનાવવામાં આવી છે. જેનો આજે સમગ્ર રાજ્ય સહિત વડોદરામાં અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તાઓ ઉપર રખડતી ગાયો સહિત પશુઓ ઉપર અંકુશ લાવવા માટે વર્ષે રૂપિયા 2 કરોડનો ખર્ચ કરવામાં આવે છે.
વડોદરા શહેરમાં રખડતાં પશુઓને કારણે અત્યાર સુધી કેટલાક લોકોના અગાઉ મૃત્યુ થયા છે સાથે જ કેટલાક લોકોને કાયમી શારીરિક ખોડખાંપણ થઇ છે તો કેટલાક ઇજાગ્રસ્ત થયા છે. એમાં પણ કેટલાક પરિવારોના એકમાત્ર કમાનાર આધાર છિનવાઇ ગયા છે કે પછી કાયમી શારીરિક રીતે વિકલાંગ બનતા પરિવારને મોટો આર્થિક ફટકો પડ્યો છે ત્યારે હાઇકોર્ટની સૂચના બાદ સમગ્ર રાજ્યમાં આજથી રસ્તાઓ ઉપર રખડતા પશુઓ ઉપર અંકુશ લાવવા માટે બનાવવામાં આવેલી પોલિસીનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેને પગલે વડોદરા પાલિકા દ્વારા પણ આજથી ત્રણ શિફ્ટમા કામગીરી શરૂ કરી છે. જે પશુઓને ટેગિંગ બાકી છે તે પશુપાલકો દ્વારા 90 દિવસમાં ટેગિંગ કરવાનું રહેશે, લાઇસન્સ તથા રજીસ્ટ્રેશનનું અમલીકરણ કરાવવામાં આવશે. પોલીસ તંત્રને સાથે રાખીને કામગીરી શરૂ કરાશે સાથે જ જે રીતે દંડની નવી જોગવાઇ મુજબ અમલ કરાશે સાથે જ દંડ અને પાસાં સુધીની જોગવાઇ છે તેનો આજથી પાલિકા તંત્ર દ્વારા અમલ કરાશે.
આ સમગ્ર મામલે સ્થાયી સમિતીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તાઓ ઉપર રખડતા પશુઓ ઉપર અંકુશ લાવવાની કામગીરી કરતું આવ્યું છે. છતાં આજથી અમલી બનેલી પોલિસીના નિયમોને આધિન આજથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અલબત્ત આજે એક બેઠક મળનાર છે. જેમાં રખડતા ઢોર અંકુશ પોલિસી અંગે ચર્ચા કરવામાં આવશે અને આ પોલિસીનો કડક અમલ કરવામાં આવશે.
ઢોર પાર્ટી વિભાગના અધિકારી ડો. વિજય પંચાલે જણાવ્યું હતું કે, વડોદરામાં કોર્પોરેશન સંચાલિત ખાસવાડી, લાલબાગ અને ખંટબા ખાતે ઢોરવાડા આવેલા છે. જેમાં અંદાજે 2000 ઉપરાંત ગાયો રાખી શકાય તેટલી કેપિસીટી ધરાવે છે. હાલ 1100 જેટલી ગાયો પાંજરાપોળમાં છે. અને તેનો નિભાવણી ખર્ચ એક ગાય દીઠ રૂપિયા 3000 હજાર આપવામાં આવે છે. અગાઉ એક પશુ દીઠ રૂપિયા 1500 નિભાવણી ખર્ચ આપવામાં આવતો હતો. તેમાં વધારો કરીને રૂપિયા 3000 કરવામાં આવ્યો છે. વડોદરામાં રસ્તા ઉપર રખડતી ગાયો સહિત પશુ પકડવા માટે 10 ટીમો કાર્યરત છે. જે 3 શિફ્ટમાં કામ કરે છે. રસ્તાઓ ઉપર રખડતી ગાયો સહિત પશુઓ ઉપર અંકુશ લાવવા માટે વર્ષે રૂપિયા 2 કરોડનો ખર્ચ થઇ રહ્યો છે.
સામાજિક કાર્યકર જાલાભાઇ સાટીયા (ભરવાડ) એ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં રખડતી ગાયો સહિત પશુઓ ઉપર અંકુશ લાવવા માટે પોલિસી બનાવવામાં આવી રહી છે. અને તેનો તા. 1 સપ્ટેમ્બર-023 થી અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં 2000 જેટલા પશુપાલકો પણ પોતાની ગાયો રસ્તા ઉપર છૂટી મૂકવા માંગતા નથી. પરંતુ, તેઓ માટે તેઓને યોગ્ય સુવિધા પૂરી પાડવી જરૂરી છે. પાલિકા અને રાજ્ય સરકાર મળીને પાંજરા પોળમાં રાખવામાં આવતી એક ગાય દીઠ રૂપિયા 3000 ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જો આજ રકમ પશુપાલકને આપી દેવામાં આવે તો રસ્તાઓ ઉપર ગાયો છોડવાનું બંધ થઇ જશે. તે માટે પશુપાલકોને પણ વિશ્વાસમાં લેવામાં આવશે. આ બાબતે મેં સ્થાયી સમિતીના ચેરમેનને લેખિત રજૂઆત કરી છે. જાેકે ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હજુ અમારી પાસે આવી કોઇ રજૂઆત કરવામાં આવી નથી. છતાં, જ્યારે પશુપાલકો સાથે બેઠક થશે ત્યારે આ મુદ્દા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. અને પાલિકા અને પશુપાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગર સેવાસદનની ઢોર ડબ્બા પાર્ટી દ્વારા કારેલીબાગ વિસ્તારમાં રસ્તાઓ ઉપર રખડતી ગાયોને ઢોરડબામાં પુરવામાં આવી હતી. પાલિકાની ઢોર ડબા પાર્ટી કારેલીબાગમાં પોલીસ બંદોબસ્ત સાથે પહોંચતા જ પશુપાલકો પોતાની ગાયોને બચાવવા માટે દોડી આવ્યા હતા. આજે બપોર સુધીમાં ઢોર ડબા પાર્ટી દ્વારા 3 ગાયો ઢોર ડબામાં પૂરવામાં આવી હતી.