વડોદરામાં 20 સ્થળો પર ઇ-વ્હીકલ ચાર્જીંગ સ્ટેશનો બનાવવાની દરખાસ્ત સ્થાયી સમિતીએ મંજૂર કરી

શહેરમાં ઇ-વ્હીકલોની સુવિધા ઊભી કરાશે, 100થી વધુ ઈલેકટ્રિક બસ દોડાવાશે

MailVadodara.com - Standing-committee-approves-proposal-to-set-up-e-vehicle-charging-stations-at-20-locations-in-Vadodara

- ચાર્જિંગ સ્ટેશન શરુ કરવા રસ ધરાવતી કંપનીઓ-સંસ્થાઓ પાસેથી ઓફરો મંગાવી હતી, 10 વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનન્સ પણ જે-તે કંપની કરશે

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરમાં ઇ-વ્હીકલોની સુવિધા માટે શહેરમાં વિવિધ 20 સ્થળો ઉપર ઇ-વ્હીકલ ચાર્જીંગ સ્ટેશનો બનાવવાની દરખાસ્તને આજે સ્થાયી સમિતીએ મંજૂર કરી હતી. આ દરખાસ્ત રેવેન્યુ શેરીંગ અને કાર્બન ક્રેડીટ રેશ્યોમાં ફેરફારના ઠરાવ સાથે મંજૂર કરવામાં આવી હતી.

વડોદરા પાલિકાના સ્થાયી સમિતીના અધ્યક્ષ ડૉ. શિતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને સ્થાયી સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકારની ઈલેકટ્રિક વ્હીકલ પ્રોત્સાહન યોજના અંતર્ગત વડોદરામાં 100થી વધુ ઈલેકટ્રિક બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત શહેરમાં ઈલેકટ્રિક વાહનો પણ ઉત્તરોત્તર વધી રહ્યા છે ત્યારે કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારમાં પબ્લિક ઈલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન શરુ કરવા માટે રસ ધરાવતી કંપનીઓ અને સંસ્થાઓ પાસેથી ઓફરો મંગાવવામાં આવી હતી.

ઈલેકટ્રિક વ્હીકલ પ્રોત્સાહન યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા પણ કોર્પોરેશનને સહાય આપવામાં આવનાર છે. કોર્પોરેશને રસ ધરાવતી વિવિધ કંપનીઓ અને સંસ્થાઓ પાસેથી ઈલેક્ટ્રિક વાહનો માટે 38 સ્થળોએ પબ્લિક ઈલેકટ્રિકલ ચાર્જિંગ સ્ટેશન બનાવવા ઓફરો મગાવી હતી. આ કામ PPP ધોરણે કરાશે. જેમાં 10 વર્ષ માટે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની પણ જવાબદારી જે-તે સંસ્થાને સોંપવામાં આવશે. ઈલેકટ્રિકલ વ્હીકલોનો ઉપયોગ વધારવા કોર્પોરેશનની વિવિધ જગ્યા પર રેવ્યૂ શેરિંગ મોડલ આધારિત ઈલેકટ્રિકલ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે. અદાણી ટોટલ એનર્જીસ ઈ-મોબિલિટિ લિ. દ્વારા શહેરમાં બ્રિજની નીચે, અતિથિગૃહો, નગરગૃહો, ગાર્ડન, તળાવ, સ્ટેશન, સીટી બસ સ્ટેન્ડ, અકોટા સ્ટેડિયમ વગેરે બહાર પાર્કિંગની જગ્યા તથા અન્ય જગ્યા પર પ્રાથમિક સર્વે આધારિત 20થી વધુ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવા દરખાસ્ત કરાઈ છે. જેનું 10 વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનન્સ આ કંપની કરશે.

ચાર્જિંગ સ્ટેશનના વીજ વપરાશના 1 યુનિટ દીઠ દોઢ રૂપિયો પ્રથમ 6 વર્ષ માટે અને ત્યારબાદ એક યુનિટના 2 રૂપિયા બાકીના વર્ષો માટે કોર્પોરેશનને રેવન્યૂ શેરિંગ પેટે આપવા તૈયારી બતાવી છે. કુલ વીજ વપરાશ બિલ પણ અટેલ દ્વારા ભરાશે. આમાં કોર્પોરેશનને કોઈ ખર્ચ થશે નહીં. સ્થાયી સમિતિએ આ દરખાસ્ત મુલત્વી રાખ્યા બાદ આજરોજ મળેલી સ્થાયીની બેઠકમાં દરખાસ્ત પર ચર્ચા-વિચારણા બાદ ચાર્જીંગ સ્ટેશનના વીજ વપરાશના એક યુનિટ દીઠ રૂપિયા 1.50 પ્રથમ 6 વર્ષને બદલે યુનિટ દીઠ 8.82 ટકા ત્યારબાદ વીજ વપરાશના યુનિટ દીઠ રૂપિયા 2ને બદલે 11.76 ટકા બાકીના વર્ષ માટે રેવન્યુ શેરીંગ પેટે આપવાના રહેશે.

Share :

Leave a Comments