પાદરા અને જાસપુર રોડ પર બે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 1.50 લાખની મત્તા ચોરી કરી ફરાર

એક પરિવાર લગ્નમાં ગયો હતો, તો બીજો પરિવાર રાજ્ય બહાર ફરવા ગયો હતો

MailVadodara.com - Smugglers-targeted-two-closed-houses-on-Padra-and-Jaspur-roads-and-stole-1-50-lakh-worth-of-money-and-escaped

પાદરામાં દિવાળી વેકેશન દમિયાન આજુ-બાજુમાં આવેલી સોસાયટીઓના બે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 1.50 લાખની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. એક પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો હતો. તો બીજો પરિવાર રાજ્ય બહાર ફરવા માટે ગયો હતો. બે મકાનોમાં થયેલી ચોરીના બનાવો અંગેની ફરિયાદ પાદરા પોલીસ મથકમાં નોંધાઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.

આ ઉપરાંત શાલીમાર સોસાયટી પાસે આવેલ હુસૈનપાર્ક સોસાયટીના મકાન નંબર-202માં નગીનાબાનું રીયાઝખાન પઠાણ પરિવાર સાથે રહે છે. તેઓ તા.11/11/2023 ના સમયગાળા દરમિયાન લગ્ન પ્રસંગમાં ગયા હતા. દરમિયાન તેઓના બંધ મકાનના મુખ્ય દરવાજામાં લગાવેલી લોખંડની જાળી ખોલી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. તિજોરીમાં સખી મંડળના મુકેલા રૂપિયા 57 હજાર રોકડા તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 77 હજાર 500નો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા.

પરિવાર લગ્ન પ્રસંગમાંથી પરત ફર્યા બાદ ઘરમાં ચોરી થયાની જાણ થતાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં 3 તસ્કરો ઘરમાં આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. દરમિયાન નગીનાબાનુંએ તા.06/12/2023ના રોજ પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પાદરા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં પાદરા જાસપુર રોડ ઉપર આવેલી શાલીમાર સોસાયટીના મકાન નંબર 50માં નસીમબાનું ગુલામભાઈ વ્હોરા પરિવાર સાથે રહે છે. સ્કૂલોમાં દિવાળીનું વેકેશન હોવાથી પરિવાર રાજ્ય બહાર ફરવા માટે ગયા હતા. દરમિયાન તા.11/11/2023ના રોજ વહેલી સવારે તસ્કરો મકાનની આગળની જાળીનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશી તસ્કરો તિજોરીમાંથી રોકડ રૂપિયા 5 હજાર તથા સોના-ચાંદીના મળી કુલ રૂપિયા 85 હજારનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. નસીમબાન વ્હોરાએ આ બનાવ અંગે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

દિવાળી વેકેશન દરમિયાન પાદરા-જાસપુર રોડ ઉપર આવેલ શાલીમાર સોસાયટી અને હુસૈન પાર્ક સોસાયટીમાં તા. 11/11/2023ના રોજ એક જ દિવસે ચોરીના બે બનાવો બનતા સોસાયટી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. દિવાળી વેકેશન દરમિયાન ચોરીના બનેલા બે બનાવોએ સોસાયટી વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાવી દીધો છે.

Share :

Leave a Comments