ફતેગંજ વિસ્તારમાં વહેલી સવારે 10 મિનીટમાં તસ્કરો મકાનમાંથી 7 તોલાથી વધુના દાગીનાની ચોરી ફરાર

મકાન માલિક નમાઝ પઢીને ઘરે પરત ફરે તે પહેલાં જ તસ્કરો ચોરી કરી ફરાર

MailVadodara.com - Smugglers-stole-jewelry-worth-more-than-7-tolas-from-a-house-in-Fateganj-area-in-10-minutes-early-morning

- ચોરી કરીને ફરાર થઇ ગયેલા તસ્કરો સી.સી. ટી.વી.માં કેદ થઇ ગયા


વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સદરબજારમાં આવેલ નવયુગ સ્કુલની સામેના મકાનમાં વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા હતા. વહેલી સવારે મકાન માલિક નમાઝ પઢીને ઘરે પરત ફરે તે પહેલાં 10 મિનીટમાં તસ્કરો તિજોરી અને કબાટમાંથી 7 તોલા સોનાના દાગીના અને 500 ગ્રામ ચાંદીના દાગીના ચોરી ફરાર થઇ ગયા હતા. ઘરમાં સૂઇ રહેલા અન્ય પરિવારનોને ખબર ન પડે તે રીતે સિફતપૂર્વક ચોરી કરીને ફરાર થઇ ગયેલા તસ્કરો સી.સી. ટી.વી.માં કેદ થઇ ગયા છે. આ ચકચારી બનાવ અંગે સયાજીગંજ પોલીસે તપાસ હાથ ધરી છે.



મળેલી માહિતી પ્રમાણે ફતેગંજ નવયુગ સ્કૂલની સામે રહીમુદ્દીન સલીમુદ્દીન શેખ પત્ની, માતા-પિતા તેમજ બાળકો સાથે રહે છે અને વ્હીકલોનું એન્જિનીયરીંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રહીમુદ્દીન શેખ રોજના નિત્યક્રમ મુજબ વહેલી સવારે 4.40 કલાકે નમાઝ પઢવા નીકળ્યા હતા અને 10 મિનીટમાં પરત ફર્યા હતા. ઘરે પરત ફર્યા ત્યારે તે વિસ્તારના બે યુવાનો તેમના મકાન પાસે ઉભા હતા.

ઘર પાસે ઉભેલા બે યુવાનોએ રહીમુદ્દીનભાઇને જણાવ્યું કે, તમે જલદી ઘરમાં જાવ. કંઇક અજુગતું થયું છે. તમારા ઘરમાંથી ત્રણ વ્યક્તિને બહાર નીકળતા અમે જોયા છે. રહીમુદ્દીન શેખ તુરંત ઘરે ગયા હતા. ઘરમાં જતા પહેલાં તેઓએ જાળીને મારેલું તાળું તૂટેલુ જોયું હતું. ઘરમાં પ્રવેશી વધુ તપાસ કરતા તિજોરી અને કબાટ ખૂલ્લું હતું. સામાન વેર-વિખેર હતો અને કબાટમાં સોના-ચાંદીના દાગીના જોવા મળ્યા ન હતા.


રહીમુદ્દીન શેખે જણાવ્યું હતું કે, વહેલી સવારે ત્રણ ચોર ઘરમાં ઘૂસી આવ્યા હતા. ચોર ટોળકી ઘરમાં પ્રવેશી ત્યારે મકાનના બીજા રૂમમાં પત્ની, બાળકો તેમજ પિતા સૂતેલા હતા. તસ્કરોએ સૂઇ રહેલા પરિવારના રૂમની બહારથી સ્ટોપર મારી દીધી હતી. તે બાદ તસ્કરોએ તિજોરીમાં મૂકેલા 7 તોલા સોનાના દાગીના અને 500 ગ્રામ ચાંદી ચોરી કરી ફરાર થઇ ગયા છે.

તેમણે પોલીસ તંત્રના પેટ્રોલિંગ પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં અવાર-નવાર ચોરીના બનાવો બની રહ્યા છે. રમઝાન માસથી અત્યાર સુધીમાં પાંચ જેટલા ઘરોમાં ચોરીના બનાવો બન્યા છે. જો પોલીસ તંત્ર દ્વારા ખરેખર પેટ્રોલિંગ થતુ હોત તો આ એક પછી એક ચોરીના બનાવો બનવા અશક્ય છે. મારા ઘરમાં ચોરી થયા બાદ વિસ્તારના લોકો ભયના ઓથાર નીચે આવી ગયા છે. પોલીસતંત્ર દ્વારા અમારા ઘરમાં ચોરી કરનાર તસ્કરોને સી.સી. ટી.વી. ફૂટેજના આધારે ઝડપી પાડે તેવી મારી માગ છે. આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારે તે પણ જરૂરી છે.


રહીમુદ્દીન સલીમુદ્દીન શેખે ઘરમાં થયેલી ચોરી અંગે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સયાજીગંજ પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ફતેગંજ વિસ્તારમાં બનેલા ચોરીના આ બનાવે ચકચાર જગાવી મૂકી છે. આ સાથે જ સ્થાનિક લોકોમાં ગભરાટ પણ ફેલાવી દીધો છે. રહીમભાઇ શેખના ઘરમાં થયેલી ચોરીના બનાવમાં કોઇ જાણભેદુ હોવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

Share :

Leave a Comments