ભાયલીની સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, દાગીના સહિત 2.81 લાખની ચોરી

સાંપ્રત સોસાયટીના મકાનમાં ચોરી કરવા ઘૂસેલા 5 તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ

MailVadodara.com - Smugglers-raid-Bhaylis-locked-house-steal-2-81-lakhs-including-jewelery

- મધરાત્રે 1.45 કલાકે ઘરમાં ઘૂસેલા તસ્કરો સવા બે કલાક બાદ મળસ્કે 4 વાગ્યે બહાર નીકળ્યાં, છેલ્લાં ચાર દિવસમાં ચોરીની બીજી ઘટના


વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી સાંપ્રત સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડ 1 લાખ અને સોના-ચાંદીના દાગીના મળી 2.81 લાખનો મુદ્દામાલ ચોરી ફરાર થઇ ગયા હતા. સોસાયટીના સીસીટીવીમાં કેદ થયેલા 5 બનિયાનધારી તસ્કરો સવા બે કલાક ઘરમાં રોકાયા હતા અને તિજોરી, કબાટમાંથી મુદ્દામાલ ચોરી કરી ગયા છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરના છેવાડે આવેલા ભાયલી વિસ્તારની સાંપ્રત રેસિડેન્સીમાં પરિવાર સાથે રહેતા કૌશિકભાઈ અભેસિંહ રાઠોડ વાગડ ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડમાં ફરજ બજાવે છે. તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત તા. 23 જૂનના રોજ તેઓ સુરત ગયા હતા અને તેમના પત્ની ઉષાબેન અને દીકરો જયરાજસિંહ બાંસવાડા (રાજસ્થાન) ગયા હતા. આ સમયે તેમના પાડોશી અશોકભાઈ જેઠવાએ તેઓને ફોન કરી જણાવ્યું હતું કે, તમારા ઘરનો મુખ્ય દરવાજો તૂટેલો છે અને મકાનમાં ચોરી થઈ હોવાનું લાગી રહ્યું છે. જેથી કૌશિકભાઈ સુરત ખાતેથી વડોદરા ખાતે દોડી આવ્યા હતા અને ઘરમાં આવી તપાસ કરતા મકાનના પહેલાં માળના બેડરૂમમાં કબાટનો સામાન-ઘેર વિખેર હતો. વધુ તપાસ કરતા કબાટમાં મૂકેલા રૂપિયા 1 લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીના જોવા મળ્યા નહોતા. દરમિયાન તેમણે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને તપાસ કરી હતી. પોલીસે કૌશિકભાઇ રાઠોડે આપેલી પ્રાથમિક માહિતીના આધારે મકાનમાંથી રૂપિયા 2.81 લાખના મુદ્દામાલની ચોરીનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


કૌશિકભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, મારા મકાનમાંથી ચોરી કરી જનાર તસ્કરો સોસાયટીમાં મારા મકાનની સામેના મકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. જેમાં તપાસ કરતાં મારા મકાનમાં બનિયાનધારી 5 તસ્કરો ઘૂસ્યા હોવાનું જણાઇ આવ્યું છે. આ તસ્કરો શુક્રવારે મધરાત્રે 1.45 કલાકે ઘરમાં પ્રવેશ્યા હતા અને સવા બે કલાક ઘરમાં બિન્દાસ રીતે ચોરી કરીને મળસ્કે 4 વાગ્યે મકાનમાંથી બહાર નીકળી રહ્યા હોવાનું જણાય છે. જેના આધારે મારા મકાનમાં ત્રાટકેલા તસ્કરો ચોક્કસ માહિતીના આધારે ત્રાટક્યા હોવાનું મારું માનવું છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારા મકાનના પહેલાં માળે બેડરૂમમાં મુકેલા કબાટો કોઈ તીક્ષણ હથિયાર વડે તોડી તેમાં મૂકેલા રોકડ રૂપિયા 1 લાખ, રૂપિયા 87,000ની દોઢેક તોલાની ગુરૂ ગ્રહના નંગની બનાવેલ વીંટી તથા વીંટીમાં જડાવેલ 50 હજારની કિંમતનો ગુરૂનો નંગ, 5 ગ્રામની 29,000ની કિંમતની એક જોડ સોનાની બુટ્ટી તેમજ દીકરાની સગાઈમાં મળેલા રૂપિયા 15,000ની કિંમતનું ચાંદીનું એક નારિયેળ સહિત કુલ રૂપિયા 2,81,000ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે. તાલુકા પોલીસે ફરિયાદના આધારે સાંપ્રત સોસાયટીમાં ચોરી કરનાર તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસે તસ્કરોના સગડ મેળવવા માટે એફએસએલ, ડોગ સ્ક્વોડની મદદ લઇ તપાસનો દોર શરૂ કર્યો છે.

નોંધનીય છે કે, ભાયલી વિસ્તારમાં આવેલી સાંપ્રત સોસાયટીમાં છેલ્લા ચાર દિવસમાં બીજા મકાનમાં થયેલી ચોરીના બનેલા બનાવી સોસાયટીના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે.

Share :

Leave a Comments