- અભયમે ત્રણેય દીકરાઓને માતાની જવાબદારી અંગે ભાન કરાવ્યું
વડોદરા શહેરમાં એક મહિલાને રસ્તા પર રડતા જોઈ અજાણ્યાં યુવાને આ અંગેની જાણ અભયમ 181 હેલ્પલાઇનને કરી હતી. આ મહિલા બેઘર છે અને તે સતત રડ્યા કરે છે. જેથી અભયમની ટીમ તાત્કાલિક આ મહિલાની મદદે પહોંચી હતી. જગ્યા પર પહોંચતા એક મહિલા હેરાન-પરેશાન થઈ રડ્યા કરતી હતી. આ બાબતે અભયમની ટીમે મહિલાને પોતાના પરિવારજનો અંગે પૂછતાં જણાવ્યું હતું કે, તે પોતાના દીકરાઓને છેલ્લા ચાર દિવસથી શોધી રહી છે. આખરે કોઈ ન મળતા મહિલા મૂંઝવણ અનુભવી રડ્યા કરતી હતી.
આ બાબતે મહિલાએ અભયમને વધુમાં જણાવ્યું હતું કે, હું પહેલા ઝૂંપડપટ્ટીમાં એકલી રહેતી હતી. તે જગ્યા ખાલી કરાવી છે અને આ મારું રહેઠાણ તોડી નાખવામાં આવ્યું છે. જેથી હું મારા ભાઈને ઘરે રહેવા ગઈ હતી, પરંતુ મને ત્યાંથી પણ કાઢી મૂકી છે. મારે સંતાનોમાં ત્રણ દીકરા છે, પરંતુ મને કોઈ રાખતું નથી. અભયમે પોતાના સંતાન અંગેની વિગતો માંગી હતી અને નામ-સરનામાં પર જઈ તપાસ કરતા ત્યાં કોઈ મળ્યું ન હતું. અભયમે વધુ તપાસ કરતા અન્ય સરનામું મળ્યું હતું.
અભયમની ટીમે આ મહિલાને સાથે રાખી અન્ય સરનામે તપાસ કરતા ત્યાંથી આ મહિલાનો મોટો દીકરો મળી આવ્યો હતો. આ બાબતે અભયમની ટીમે દીકરાને સમજાવતા કહ્યું કે, છેલ્લા કેટલાય દિવસોથી આ મહિલા ફર્યા કરે છે. માતાને સાથે રાખવી તે તમારી જવાબદારી હતી. આ સાથે બીજા બે દીકરાઓ છે, તેઓની માહિતી લેતા તેઓને પણ સમજાવતા તેઓએ માતાની જવાબદારી લીધી હતી. તેઓ પાસેથી માતાનું ધ્યાન રાખશે તેવી બાંહેધરી લીધી હતી. આખરે લાચાર મહિલાએ અભયમનો આભાર વ્યક્ત કર્યો હતો.