- પાલિકાએ પ્રજાના પરસેવાના 11 કરોડ આંધળા કેમેરા પાછળ ફૂંકી માર્યા..?
- જાડી ચામડીના શાસકોના અને કહેવાતા સ્માર્ટ અધિકારીઓના પેટનું પાણી હાલતુ નથી
વડોદરા મહાનગર પાલિકાના પાપે માત્ર પ્રજાને જ નહીં પોલીસ ને પણ તકલીફ પડે છે. રૂપિયા ૧૧ કરોડના ખર્ચે પાલિકાએ નાખેલા સીસીટીવી કેમેરા રાત્રે આંધળા થઈ જતાં હોવાથી પોલીસને ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળતી નથી.
ભ્રષ્ટાચાર થી ખદબદતા પાલિકાના વહીવટી તંત્રના પાપે પ્રજા એકલી હાલાકી વેઠે છે એવું નથી. તમને જાણીને નવાઈ લાગશે કે પોલીસ પણ પાલિકાના પાપ ની સજા ભોગવે છે.
એક ગરીબ પરિવાર છેલ્લા આઠ દિવસથી ન્યાયની આશામા વલખા મારી રહ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત ૧૮ નવેમ્બરે મધરાતે લગભગ દોઢ વાગ્યાના સુમારે ખોડિયાર નગર ચાર રસ્તા પર એક ક્રેટા કારે બાઈક સવાર બે મિત્રો ને અડફેટે લીધા હતા. બાઈકને ટક્કર મારી કાર ચાલક નાસી છૂટ્યો હતો. બે પૈકી પ્રકાશ મારવાડી ને ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે તેના મિત્ર ગૌતમ ને પગમાં ઇજા થઈ હતી. બંને ને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમા ખસેડાયા હતા. સારવાર દરમ્યાન ૨૧ તારીખે પ્રકાશનું મોત નીપજ્યું હતું. હરણી પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.
પોલીસે બનાવ સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા હતા. પોલીસ ને આશા હતી કે સીસીટીવીના ફૂટેજના આધારે ફરાર આરોપી ગણતરી મા ઝડપાઈ જશે. જો કે પોલીસની આશા ઠગારી નીવડી કારણ કે પાલિકાએ અગિયાર કરોડના ખર્ચે લગાવેલા સીસીટીવી કેમેરા રાત્રે આંધળા થઈ જાય છે એ પોલીસને ખબર ન હતી. કેમેરા સામે બનેલા બનાવમાં ક્રેટા કાર દેખાય છે પરંતુ નંબર દેખાતો નથી.
હરણી પોલીસ છેલ્લા આઠ દિવસ થી બાઈક ચાલક યુવાનનું અકસ્માત મા મોત નીપજાવનારની શોધખોળ કરી રહી છે. જો સીસીટીવીમાં નાઈટ રાત્રી ના દ્રશ્યો સ્પષ્ટ નજરે પડતાં હોત તો આરોપી કદાચ જેલના સળિયા ગણતો હોત. રૂપિયા અગિયાર કરોડના ખર્ચે પાલિકાએ લગાવેલા કેમેરા રાત્રે આંધળા થઈ જાય છે એવો પર્દાફાશ "મેઇલ વડોદરા' કર્યો હતો. પરંતુ વિકાસના ઢોલ વગાડતા જાડી ચામડી ના નેતાઓ અને અધિકારીઓના પેટનું પાણી હાલતુ નથી. પાલિકાના પાપે નિર્દોષ લોકોને ન્યાય મળતો નથી અને ગુન્હેગારો બેફામ બની રહ્યા છે.
હરણી પોલીસે ટેક્નિકલ સર્વેલાન્સ આધારે હિટ એન્ડ રનના બનાવમાં એક આરોપીની ધરપકડ કરી હતી
પ્રજાના પરસેવાની કમાણી ભ્રષ્ટાચાર ને ભેટ ચઢી જાય છે. શું પારદર્શક વહીવટના દાવા માત્ર ચૂંટણી પૂરતા થાય છે ? અગિયાર કરોડના આંધળા કેમેરાની તપાસ ના થવી જોઈએ ? આવા સીસીટીવી કેમેરાથી ગુન્હાખોરી કેવી રીતે નિયંત્રિત થશે ? શું પાલિકાના નેતાઓની જવાબદારી નથી કે કેમેરા ખરીદીની વિજિલન્સ તપાસ કરાવે ? શું સીસીટીવી કેમેરા માત્ર મેમો આપવા માટે જ લગાવવામા આવ્યા છે ? પાલિકાના પાપની સજા પોલીસ કેમ ભોગવે ?
બીજી તરફ હરણી પોલીસે ટેક્નિકલ સર્વેલાન્સ આધારે હિટ એન્ડ રન ના બનાવમાં એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે સુપેસ નામના પારુલ યુનિવર્સીટી ના વિદ્યાર્થી ની બનાવ સંદર્ભે ધરપકડ કરી હતી.