વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં અલગ અલગ સમયે ચાર ઇકો કારમાંથી 2.10 લાખની કિંમતના સાયલેન્સર ચોરી થયાની ફરિયાદો વીતેલા 24 કલાક દરમિયાન માંજલપુર પોલીસ મથકના ચોપડે નોંધાવા પામી છે. પરિણામે હજુ પણ શહેરમાં ઇકો કારના સાઇલેન્સર ચોરીની ઘટનાને અંજામ આપતી ટોળકી સક્રિય હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે અન્ય ઇકો કાર માલિકોમાં ફફડાટ જોવા મળ્યો છે.
માંજલપુર વિસ્તારની સાઁઈ ચોકડી પાસે યોગી દર્શન ફ્લેટ્સમાં રહેતા રમેશભાઈ પટેલ ઇલેક્ટ્રોનિકની દુકાન ધરાવે છે. ગત 30 ડિસેમ્બરના રોજ તેઓએ પોતાની ઇકો કાર ઘરના સામેના ભાગે પાર્ક કરી હતી. બીજા દિવસે તેમની કારમાંથી રૂપિયા 60 હજારની કિંમતનું સાઈલેન્સર ચોરી થયાનું બહાર આવ્યું હતું. બીજા બનાવમાં પંચશીલ મેદાનની સામે આવેલ સિદ્ધિવિનાયક ફ્લેટ્સમાં રહેતા કુલદીપકુમાર ઝાલા નોકરી કરે છે. ગત 25 ડિસેમ્બરના રોજ તેમણે પોતાની ઇકો કાર ઘરઆંગણે પાર્ક કરી હતી. બીજા દિવસે કાર સ્ટાર્ટ કરતા અજાણ્યા તસ્કરોએ રૂપિયા 30 હજારની કિંમતનું તેમની કારમાંથી સાઇલેન્સર ચોરી અન્ય સાઇલેન્સર લગાવી દીધું હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે અલવાનાકા પાસેની રિદ્ધિસિદ્ધિ પાર્કમાં રહેતા જતીનભાઈ પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
ગત 24 ફેબ્રુઆરીના રોજ તેઓએ ઘર પાસે પોતાની ઇકો કાર પાર્ક કરી હતી. એક માર્ચના રોજ કાર સ્ટાર્ટ કરતા રૂપિયા 60 હજારની કિંમતનું સાઇલેન્સર ચોરી થયાનું બહાર આવ્યું હતું. તેવી જ રીતે વિશ્વામિત્રી રોડ સુરભી પાર્કમાં રહેતા ઈશ્વરભાઈ વસાવા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 12 માર્ચના રોજ તેમણે પોતાની ઇકો કાર સોસાયટીની બહાર પાર્ક કરી હતી. 15 માર્ચના રોજ કાર સ્ટાર્ટ ન થતા રૂપિયા 60 હજારની કિંમતનું સાઇલેન્સર ચોરી થયાનું બહાર આવ્યું હતું. આ ચારેય બનાવો સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.