- આજે સાંજે પરંપરાગત રીતે શિવ પરિવાર સાથે ભવ્યાતિ ભવ્ય 'શિવજી કી સવારી' નીકળશે અને સાંજે સુરસાગર સ્થિત સર્વેશ્વર મહાદેવના સાનિધ્યમાં મહાઆરતી યોજાશે
- શિવાલયો `ઓમ નમ શિવાય' અને 'બમ બમ ભોલેનાથ'ના નાદથી ગુંજ્યાં, શિવાલયોમાં મંગળા આરતી સહિત વિવિધ શૃંગારના દર્શનનો શ્રદ્ધાળુઓએ લહાવો લીધો, શિવાલયોમાં ભંડારાનું પણ આયોજન કરાયું
દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રીના આજે પાવન દિવસની શહેરમાં અપાર શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી શરૂ થઈ છે. શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ શિવાલયોમાં વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ સાથે લાંબી કતારો જોવા મળી રહી છે. શહેરમાં ઠેર-ઠેર નાના-મોટા શિવાલયોમાં 'હર હર મહાદેવ'ના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા છે. આજે સાંજે પરંપરાગત રીતે શિવ પરિવાર સાથે ભવ્યાતિ ભવ્ય 'શિવજી કી સવારી' નીકળશે અને સાંજે સુરસાગર સ્થિત સર્વેશ્વર મહાદેવના સાનિધ્યમાં મહાઆરતી યોજાશે.
સવારથી જ શિવાલયમાં ભક્તો શિવમય બન્યા મહાશિવરાત્રી નિમિત્તે વડોદરામાં આવેલા સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મેહાદેવ, મોટનાથ, ઋણ મુક્તેશ્વર, વડોદરા નજીક આવેલા વ્યાસેશ્વર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં આ વેલા નાના-મોટા શિવાલયોમાં શિવજી ઉપર દૂધ, પાણી, ભાંગ શેરડીનો રસ, ઘી, મધ સહિતનો અભિષેક કરવા માટે વહેલી સવારથી શ્રદ્ધાળુઓએ કતારો લગાવી છે અને હજુ ભારે ભીડ જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓની ભારે ભીડથી શિવાલયોમાં `ઓમ નમઃ શિવાય' અને 'બમ બમ ભોલેનાથ'ના નાદથી ગુંજી ઉઠ્યા હતા. સવારથી જ શિવાલયો સહિત સમગ્ર શહેર મહાશિવરાત્રીના પાવન દિવસે શિવમય બની ગયું હતું.
આજે મહાશિવરાત્રીના દિવસે ભાંગ પીવાનો ભારે મહિમા હોવાના કારણે શિવાલયો સહિત વડોદરાના વિવિધ વિસ્તારોમાં ભાંગનો પ્રસાદ વેચવા માટે ઠેર-ઠેર લારીઓ ઊભી થઈ ગઈ હતી. ભાંગ પીવા માટે પણ લારીઓ ઉપર શહેરીજનોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ શિવાલયોમાં મંગળા આરતી સહિત વિવિધ શૃંગારના દર્શનનો શ્રદ્ધાળુઓએ લ્હાવો લીધો હતો. શિવાલયોમાં શિવજીની આરાધના કરતી સ્તુતિઓ, ભજનો, ગીતોથી ગુંજી ઉઠ્યા હતા અને આખું શહેર શિવમય બની ગયું છે.
મહાશિવરાત્રી નિમિત્તે વડોદરા નજીક આવેલા વ્યાસેશ્વર મહાદેવ, કાયાવરોહણ ખાતે આવેલા શ્રીલકુલેશ મહાદેવ મંદિર સહિત શહેરના લાલબાગ ખાતે આવેલ કાશીવિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં મેળો ભરાયો છે. આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને મેળાનો આનંદ લીધો હતો. મહાશિવરાત્રી નિમિત્તે શહેરમાં આવેલા નાના-મોટા શિવાલયો તેમજ સુપ્રસિદ્ધ શિવાલય પૂર્વરાતથી જ ભવ્યાતી ભવ્ય રંગબેરંગી રોશનીથી શણગારી દેવામાં આવ્યા છે. કેટલાક શિવાલયોમાં આખી રાત ભજન-કીર્તનની રમઝટ જામશે. આજે શિવરાત્રી નિમિત્તે કેટલાક શિવાલયો દ્વારા રાત્રે ધામધૂમથી ભગવાનનો વરઘોડો કાઢવામાં આવશે તો કેટલાક શિવાલયો ખાતે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે કાશી વિશ્વનાથ મહાદેવ લાલબગના મહારાજ જયેશ ભટ્ટે જણાવ્યું હતું કે, આ મંદિરના જીર્ણોદ્ધારને આશરે 133 વર્ષ થયા છે. આ મંદિરની વિશેષતા એ છે કે, આ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે કે, જ્યાં હર અને હરિ એકસાથે છે. અહીંયા તમામની મનોકામના પૂર્ણ થાય છે. અહીંયા વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. વિવિધ વસ્તુથી મહાદેવનો અભિષેક કરે છે જેમાં દૂધ, દહીં, પાણી, કાળા તલ, શેરડીનો રસ ચડાવી ભક્તો મનોકામના પૂરી જયારે છે. આજના દિવસે મહાશિવરાત્રી જેમાં શિવ અને પાર્વતીનું મિલન થયું હતું.