- નમાલા નેતાઓના પાપે બે વર્ષથી પીવાના પાણીનું કામ ખોરંભે ચઢ્યું છે..!!
- કોન્ટ્રાકટરને બચાવવામાં ક્યા નેતાને રસ..?
- રૂ.૬૮ કરોડનું કામ અધૂરું છોડીને બે વર્ષથી જતા રહેલા સોરઠીયાને બ્લેક લિસ્ટ કરતા શાસકોના હાથ ધ્રૂજે છે..?
વડોદરા મહાનગર પાલિકા ના શાસકોનો પ્રજાની સેવાનો દાવો માત્ર દેખાડો સાબિત થઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષથી કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરતા શાસકો જાણે નાનમ અનુભવી રહ્યા છે. સોરઠીયાને બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિમા રજૂ કરવાની હિમ્મત શાસકો એકઠી કરી શકતા નથી.
વડોદરા મહાનગર પાલિકામાં ચાલતા ભ્રષ્ટ વહીવટમાં શાસકોની પણ એટલા જ જવાબદાર હોય છે જેટલા અધિકારીઓ... વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની શાખની સીડી પર ચઢી સત્તા સુધી પહોંચેલા કહેવાતા મહારથીઓને પ્રજાની પરવાહ ના હોય એ સ્વાભાવિક છે. એકહથ્થું શાશન કોઈ પણ નેતાને મનસ્વી અને અહંકારી બનાવી દે છે. આજવા સરોવરથી પીવાના પાણીની પાઇપ લાઈન બદલવાનું રૂપિયા ૬૮ કરોડ નું કામ છેલ્લા બે વર્ષથી અધૂરું મૂકીને કોન્ટ્રાકટર વેલજી રતન સોરઠીયા જતો રહ્યો છે. પ્રજાના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ લાવવા હાથ ધરાયેલું કામ છેલ્લા બે વર્ષથી અધૂરું પડ્યું છે અને શાસકોના પેટનું પાણી હાલતુ નથી. પહેલા અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને ૩૫-૩૫ નોટિસો આપી વિશ્વ વિક્રમ સ્થાપ્યો અને હવે શાસકો અધિકારીઓને સારા કહેવડાવે એવું પ્રદર્શન કરી રહ્યા છે. સોરઠીયા ને બ્લેક લિસ્ટ કેમ કરવામાં આવતા નથી એવુ જો કોઈ પૂછે તો શાસકોને સાપ સુંધી જાય છે. અમે જયારે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલ ને પૂછ્યું કે સોરઠીયાને બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત બે મહિનાથી આવીને પડી છે એના પર નિર્ણય કેમ લેવાતો નથી ? તો પહેલા તો તેમણે કાંઈ પણ કહેવાની ના પાડી દીધી. જો કે અમે જયારે આ અંગે મેયર નિલેશ રાઠોડ ને પૂછ્યું ત્યારે મેયરના આદેશ બાદ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલે ગોળ-ગોળ બોલવાની આવડત મુજબ જ જવાબ આપ્યો હતો. વડોદરા મહાનગર પાલિકાના શાસકોના પાપે છેલ્લે તો પ્રજાના પરસેવાની કમાણી અણ આવડત ને ભેટ ચઢી જાય છે.