સયાજી હોસ્પિટલમાંથી 11 મહિના પહેલાં પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલો શાર્પ શુટર એન્થોની ઝબ્બે

છેલ્લા એક વર્ષથી ફરાર અનિલ ઉર્ફે એન્થોનીને પકડવા પોલીસે 10 હજાર કિમીની સફર કરી

MailVadodara.com - Sharpshooter-Anthony-arrested-who-escaped-from-police-custody-11-months-ago-from-Sayaji-Hospital

- આરોપી પાસેથી બે પિસ્તોલ અને 5 કારતુસ, નકલી પાનકાર્ડ અને આધારકાર્ડ પણ મળ્યા

- હત્યા, હત્યાનો પ્રયાસ અને લૂંટ સહિતના 41 ગુના નોંધાયેલા છે


વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી 11 મહિના પહેલા પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલો બનાવટી ચલણી નોટોના ગુનાનો આરોપી અનિલ ઉર્ફે એન્થોની (ઉ.37)ને વડોદરા ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી બે પિસ્તોલ અને 5 કારતુસ પણ મળી આવ્યા છે. આરોપી સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને લૂંટ સહિતના 41 ગુના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે.

વડોદરાના અધિક પોલીસ કમિશનર મનોજ નિનામાની આજે પત્રકાર પરિષદ યોજાઈ છે, જેમાં એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુરના બનાવટી નોટોના ગુનામાં ઝડપાયેલા અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગાવાનીને 6 મે, 2022ના રોજ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો, તે સમયે અનિલ ઉર્ફે એન્થોની પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. ત્યાર પછી તેને પકડવા માટે વડોદરા પોલીસે 5 ટીમો બનાવી હતી અને છેલ્લા 7 માસથી તેની શોધખોળ ચાલુ હતી. પરંતુ, વારંવાર તેનું લોકેશન બદલાતુ રહેતુ હતું. દિલ્હી, નોઇડા, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર એમ જુદા-જુદા લોકેશન પર તે નાસ્તો ફરતો હતો.


આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાચને ટેક્નિકલ સર્વેલન્સના આધારે ચોક્કસ બાતમી મળી હતી કે, આ આરોપી વડોદરામાં આવનાર છે. જેને લઈને વહેલી સવારે ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ અને ટીમ દ્વારા સર્વેલન્સ અને વોચ ગોઠવવામાં આવી હતી. જેના આધારે આરોપીને પકડવામાં અમે સફળ થયા છીએ. અનિલ ઉર્ફે એન્થોની સામે હત્યા, હત્યાન પ્રયાસ, લૂંટ, ધાડ, પ્રોહિબિશન, બનાવટી નોટો અને બનાવટી દસ્તાવેજો સહિતના 41 ગુના નોંધાયેલા છે. આ ગુનાઓ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, જામનગર, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, ખેડા, મોરબી અને મુંબઇના દહીસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા છે.


એસીપી ક્રાઇમ હરપાલસિંહ રાઠોડે જણાાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી અનિલ ઉર્ફે એન્થોની નાસ્તો ફરતો હતો. તેની સામે ઘણા ગુના નોંધાયા છે. અનિલ ઉર્ફે એન્થોનીને પકડવા માટે અમારી ટીમે 10 હજાર કિલોમીટરની સફર કરી હતી. તેની પાછળ ઘણા ટેક્નિકલ સર્વેલન્સ પણ રાખવામાં આવ્યા હતા. ખોડિનગર પાંજરાપોળ પાસે હાઇવે પાસેથી નીકળવાનો હોવાથી અમારી 3 ટીમો વોચમાં હતી અને અનિલ ઉર્ફે એન્થોની ત્યાંથી મળી આવ્યો હતો. અનિલ ઉર્ફે એન્થોની પાસેથી બે લાઇવ પિસ્તોલ અને 5 કારતૂસ પણ મળ્યા છે.

વડોદરા શહેર પોલીસ કમિશનરે નાસ્તા ફરતા આરોપી અનિલ ઉર્ફે એન્થોની માટે 25 હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું. વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમના પેરોલ ફર્લો ટીમના વસાવા અને હરેન્દ્રસિંહની સચોટ બાતમીના આધારે આરોપી પકડાયો છે. અગાઉ પણ એકવાર અનિલ ઉર્ફે એન્થોની વડોદરા આવ્યો હતો, પરંતુ તે પકડાયો નહોતો.


વધુમાં જણાવ્યું હતું કે, અનિલ ઉર્ફે એન્થોનીને શોધવા કોલકત્તા, દિલ્હી, મુંબઇ અને ઓરિસ્સા સુધી ગયા હતા. જોકે, પોલીસ કરતા આરોપી એક ડગલુ આગળ હતો, જેથી પકડાતો નહોતો. જોકે, 6 મે 2022ના રોજ ભાગેલો આરોપી ગઇકાલે 9 એપ્રિલે પકડાઈ ગયો હતો. આરોપી ક્યાં ક્યાં રોકાયો હતો, તે હોટલમાં રોકાયો હતો કે, પછી તેને કોઈએ આશરો આપ્યો હતો, તે દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ. જો કોઈએ તેને આશરો આપ્યો હશે તો તેની સામે પણ કાર્યવાહી કરાશે.

આરોપી પાસેથી નકલી પાનકાર્ડ અને આધારકાર્ડ મળી આવ્યા છે, તેનો અલગથી બીજો ગુનો દાખલ કરીશું. આરોપી મોબાઇલ અને સીમકાર્ડ સતત બદલતો હતો, જેથી તેનું લોકેશન મળતુ નહોતુ. 11 મહિના આરોપી ફરાર રહ્યો, તે દરમિયાન કોઇ ગુનો આચર્યો હોય તો પણ ફરિયાદ દાખલ કરીશું.

Share :

Leave a Comments