- પોલીસ આજે આરોપીઓને લઈને વિશ્વામિત્રી નદી પાસે પહોંચી હતી
- અન્ડર વોટર કેમેરાની મદદથી ફાયરબ્રિગેડની ટીમે મોબાઈલની શોધ શરૂ કરી હતી
વડોદરાના ભાયલી સગીરા ગેંગરેપ કેસમાં આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓ આખી રાત ઊંઘ્યા નહોતા અને આખી રાત પડખા ફેરવ્યા હતા. ત્રણેય આરોપીઓને હાલ તાલુકા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. જ્યાં ચુસ્ત પોલીસ બંદોેબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આરોપીઓએ પીડિતાનો મોબાઈબ પથ્થરથી તોડી વડસર પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હતો. આથી આજે પોલીસે આરોપીઓને સાથે રાખી ફાયરબ્રિગેડની મદદ લઈ 17 કિમી લાંબી વિશ્વામિત્રી નદીમાં મોબાઈલ શોધવા પહોંચી છે. પાણી ડહોળું હોવાથી ફાયરબ્રિગેડની ટીમને મોબાઈલ શોધવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે.
આજે 9 ઓક્ટોબરે સવારે 11:20 વાગ્યે તાલુકા પોલીસની ટીમ આરોપીઓને લઈને વડસર વિશ્વામિત્રી નદી ખાતે આવવા નીકળી હતો. પોલીસે 11.38 વાગે આરોપીઓને લઈને વિશ્વામિત્રી નદી પાસે તપાસ કરી હતી. બપોરે 12.15 વાગ્યે ફાયરબ્રિગેડની ટીમે અન્ડરવોટર કેમેરાની મદદથી વિશ્વામિત્રી નદીમાં મોબાઈલની શોધ શરૂ કરી હતી અને હાલ શોધખોળ ચાલુ છે.
પોલીસે આરોપીએ જ્યાં પીડિતાનો મોબાઈલ પથ્થરથી તોડ્યો હતો તેની આસપાસ પથ્થર પણ આરોપીએ બતાવ્યા હતા. આરોપી શાહરૂખને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે પથ્થરની પણ તપાસ કરી છે. ફાયર બ્રિગેડની ટીમે વિશ્વામિત્રી નદીમાં બોટ ઉતારી છે. અન્ડરવોટર સર્ચ કેમેરા વડે મોબાઇલની શોધખોળ ચાલી રહી છે. ફાયરબ્રિગેડે મગરોની વચ્ચે મોબાઈલ શોધીખોળ કરી છે.
વડોદરા શહેરના છેવાડે આવેલા ભાયલી ગામમાં થયેલા ગેંગરેપ કેસના 5 આરોપીઓને ગઈકાલે વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. હાલ આરોપીના રિમાન્ડ ચાલી રહ્યા છે. તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ગત રાત્રે 12:30 વાગે તાંદલજા વિસ્તારમાં આવેલ આરોપીઓના ઘરે પહોંચી હતી અને તપાસ કરી હતી. આ ઉપરાંત તાંદલજા ગામને કોર્ડન કરી સીસીટીવી તપાસ કરી હતી અને ત્રણથી ચાર ડીવીઆર કબ્જે કર્યા હતા. આ ઉપરાંત મોડીરાત્રે આરોપીઓના મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.
આજે આરોપીઓને સાથે રાખીને પીડિતાનો વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધેલો મોબાઈલ શોધવા ફાયરબ્રિગેડની મદદ લીધી છે. નવરાત્રિના બીજા નીરતે સગીરા પર ગેંગરેપ કરનાર સંસ્કારી નગરીના રાક્ષસોને કાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. ત્રણેય આરોપી ઉત્તરપ્રદેશના હોવાનું સામે આવ્યું છે. 1100 CCTV, ચશ્માં અને એક ફોન કોલે પોલીરાને આરોપી સુધી પહોંચાડ્યા હતા. પરપકડ બાદ આરોપીઓ અંગડાતાં-ભંગડાતાં મેડિકલ ચેકઅપ માટે પહોંચ્યા હતા. ગરબા રમવા નીકળેલી 16 વર્ષની સગીચ તેના મિત્ર સાથે વડોદરાના ભાયલી-બીલ રોડ વિસ્તારમાં બેઠી હતી, ત્યારે 3 નરાધમે તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આરોપીઓને જાહેરમાં ફાંસી આપવાની માંગ લોકોમાં ઉઠી છે. સગીરા સાથે થયેલા દુષ્કર્મ કેસ મામલે શહેરમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે હવે વડોદરા શહેર મુસ્લિમ સમાજે પણ બળાત્કારીઓને ફાંસી આપવાની માગ કરી છે. આ મામલે લઘુમતી સમાજે શહેરના તાંદલજા વિસ્તારનાં રનેશ્વર સર્કલ પર ભારે વિરોધ દર્શાવ્યો હતો. મુસ્લિમ સમાજના લોકોએ હાથમાં પોસ્ટર બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમની માગ છે કે, આવા લોકોને જાહેરમાં લટકાવી સજા કરવામાં આવે.
વડોદરા તાલુકા પોલીસ મથકથી અઢી કિલોમીટર દૂર ભાયલી-બીલ રોડ વિસ્તારમાં નવરાત્રિના બીજા નોરતે એટલે કે. 4 ઓક્ટોબરની રાત્રે 11.30 વાગ્યાના સુમારે સૂમસામ અંધકારમય રોડ ઉપર ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરા અને તેનો 16 વર્ષનો મિત્ર બેસવા માટે ગયા હતા. રાત્રે 12થી 1 વાગ્યાના સુમારે શરમજનક ગેંગરેપની ઘટના બની હતી. સગીરા અને તેનો મિત્ર પશ્ચિમ વિસ્તારનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ હતી.