- કમિશનર, અધિકારીઓ, મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષે એરકન્ડિશન કાર છોડી બાઈક લઈને સડકો પર ફરવું જોઈએ તો લોકોની તકલીફ ખબર પડે..?
વડોદરા શહેરમાં આડેધડ કામો કરવા ટેવાયેલા પાલિકાના અધિકારીઓ ભૂલ સુધારવામાં પણ આળસ કરી રહ્યા છે. ડિવાઈડર પર નહીં લગાવવાના કોનોકાર્પસના છોડ કાઢવાનું નક્કી કર્યા બાદ હજી જાણે મુહર્ત જોવાઈ રહ્યું છે.
વડોદરા શહેરમાં "હું બાવો ને મંગળદાસ" જેવો વહીવટ પાલિકાને કરોડો રૂપિયાનું નુકસાન કરાવે છે. જો કે નિષ્ફ્ળ વહીવટ સામે લાલ આંખ કરવાને બદલે શાસકો પણ તેમની પીઠ થબાથબાવી આંધળુંકિયું કરવા પ્રોત્સાહન આપે છે. વર્ષ ૨૦૧૮ માં પાલિકાના પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખાએ કરોડો ના ખર્ચે રાજમાર્ગો ના ડીવાઇડર પર વિવિધ છોડ લગાવ્યા. આ છોડમાં કોનોકાર્પસ છોડ પણ પસંદ કરવામાં આવ્યા. અમે તમને જણાવી દઈએ કે નિષ્ણાંતો મુજબ કોનોકાર્પસ ઝડપી મોટા થાય છે અને જમીનમાંથી પાણી નું શોષણ પણ વધુ પ્રમાણમાં કરે છે. જો કે કહેવાતા સ્માર્ટ અધિકારીઓએ જાણકારોને પૂછ્યા ગાછ્યા સિવાય કોનોકાર્પસ લગાવી દીધા અને એ શહેરની મધ્યમાં આવેલા રાજમાર્ગો પર..હવે સડકો પર ડીવાઇડર પર આડેધડ મોટા થતા કોનોકાર્પસ વાહન ચાલકો માટે આફત ઉભી કરે છે. ડીવાઇડર પર ઉગેલા આ છોડને કારણે જમણી બાજુ વળાંક લેતા વાહન ચાલકોને સામેથી આવતા વાહનો દેખાતા નથી અને જેના કારણે દરરોજ નાના મોટા અકસ્માતો થાય છે. આમ પાલિકાના આંધળુંકિયાની સજા વાહચાલકો ભોગવે છે. ભારે ઉહાપોહ બાદ કોનોકાર્પસ કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો.
જો કે આ નિર્ણય લીધા બાદ પણ આજે છ મહિના જેવો સમય થઈ ગયો છે આમછતા કોનોકાર્પસ અડીખમ ઉભા છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખાના ડાયરેક્ટર ડૉ. મંગેશ જયસ્વાલને આ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં મળેલી મિટિંગમાં આણંદ સ્થિત કૃષિ યુનિવર્સિટી નો અભિપ્રાય લેવાનો નિર્ણય લેવાયો છે. અહીં મહત્વનું એ છે જ્યારે કોનોકાર્પસ હટાવવાનો નિર્ણય લેવાઈ ચુક્યો હોય ત્યારે ફરી થી અભિપ્રાય લેવાની જરૂર કેમ પડી? અભિપ્રાય લેવામાં છ-છ મહિના લાગે? કોનોકાર્પસને કારણે અકસ્માતો થાય છે એ સિદ્ધ થઈ ચૂક્યું છે ત્યારે ત્વરિત નિર્ણય ના લઈ શકાય?
અહીં મહત્વનું એ પણ છે કે પાલિકા આ છોડ સહિત અન્ય વૃક્ષો કાપવા દર વર્ષે ચાર ઝોનમાં થઈ રૂપિયા ૮૦ લાખ ખર્ચે છે. પાલિકાના રેઢીયાર તંત્રના પાપે શહેરીજનો હાલાકી વેઠવા મજબુર થઈ રહ્યા છે.