- બંને ઇસમો મધ્યપ્રદેશ પાર્સિંગની તુફાન ગાડીમાં આવ્યા હતા, બંને મોરબી તરફ જઇ રહ્યા હતા, સાવલી પોલીસે મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી
વડોદરાના સાવલી તાલુકાના ખાખરીયા ગામ પાસેથી સાવલી પોલીસે બાતમીના આધારે મધ્યપ્રદેશથી આવતા બે ઇસમોને દેશી બનાવટી તમંચા સાથે ઝડપી પડ્યા છે. આ બનાવ અંગે સાવલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઈસમો અંગેની સાવલી પોલીસને બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશ પાર્સિંગની તુફાન ગાડીમાં બેસીને બે ઈસમો દેશી તમંચો અને કારતૂસ લઈ ગાડીમાં આવી રહ્યા છે. તે દરમિયાન સાવલી પોલીસનો સ્ટાફ વોચમાં હતો અને એક ગાડી આવી હતી. આ દરમિયાન ગાડીને ઉભી રાખી તપાસ કરતા તેમાંથી એક દેશી તમંચો અને ત્રણ જીવતા કારતુસ લઈને મધ્યપ્રદેશથી મોરબી તરફ જઈ રહેલા બે ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે.
બાતમીના આધારે સાવલી પોલીસે ખાખરીયા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી બંને ઈસમોને રંગેહાથ ઝડપી પાડયા હતા. દેશી તમંચો તથા ત્રણ જીવતા કારતૂસ કબજે લઈ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આ બંને ઈસમો મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ગંધવાની તાલુકાના હોવાનું સામે આવ્યું છે. આ બંને ઈસમો પાસે મળેલ મુદ્દામાલ સહિત કોઈ અન્ય વ્યક્તિ સામેલ છે કે કેમ? તદુપરાંત આ દેશી તમંચા સાથે મોરબી શા માટે જતા હતા? તે બાબતે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બંને ઈસમો જેમાં બીજુંભાઈ ભંગદભાઈ ભંવર અને ચમસીહભાઈ બીજુભાઈ ભંવરને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં સાવલી પોલીસે આ બંને ઈસમો પાસેથી મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બંને ઈસમો કયા ઇરાદે દેશી તમંચો લઇ ફરતા હતા, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ બંને ઇસમોને વધુ તપાસ અર્થે રિમાન્ડની પણ માંગણી કરવામાં આવશે.