- ગોડાઉન માલિક કૃષ્ણકાંત પરીખ પાસેથી કેમિકલ વેચવા માટેના ખરીદ-વેચાણના બીલ કે પુરાવા ન મળતા પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી
શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા પરીન એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાંથી SOG પોલીસે બાતમીના આધારે દરોડા પાડી ગોડાઉનમાંથી 4 મોટા બેરલમાંથી એક હજાર કિલો શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડી ગોડાઉન માલિકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. SOGએ ગોડાઉનમાંથી રૂપિયા 68 હજારથી વધુની કિંમતનું શંકાસ્પદ કેમિકલ ઝડપી પાડ્યું છે.
વડોદરા SOGને બાતમી મળી હતી કે, વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા બાવરી કુંભારવાડાના ગુજરાત વુડ કમ્પાઉન્ડમાં આવેલા પરીન એન્ટરપ્રાઇઝમાં શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઉતારવામાં આવ્યો છે અને હાલ કેમિકલનું વેચાણ ચાલુ છે. જેના આધારે વડોદરા શહેર SOGએ રેડ પાડી હતી. આ દરમિયાન ગોડાઉનમાં ભુરા રંગના 4 મોટા બેરલ મળી આવ્યા હતા. આ બેરલોની ચકાસણી કરતા તેમાં ઇથાઇલ એસીટેટ હોવાનું જણાઇ આવ્યું હતું. આ કેમિકલ રંગવિહિન, ઝડપથી સળગી જાય તેવું અને મીઠી વાસવાળો હતો. બીજા એક બેરલની ચકાસણી કરતા તેમાં ટોલ્યુઇન હોવાનું જણાયું હતું. આ કેમિકલ રંગવિહિન, ઝડપથી સળગી જાય તેવું અને અલગ જ પ્રકારની વાસ ધરાવતુ હતું.
વેપારીની પૂછપરછ કરતા તેની પાસે આ કેમિકલ વેચવા માટેના ખરીદ-વેચાણના બીલ કે, પુરાવા મળી આવ્યા ન હોતા. જેથી પોલીસે ગોડાઉન માલિક કૃષ્ણકાંત પદમકાંત પરીખ (રહે.મકાન નં-6, ઠક્કરબાપા સોસાયટી, આયુર્વેદિક કોલેજ પાસે, પાણીગેટ, વડોદરા)ની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપી અગાઉ ભરૂચ, અંકેશ્વર અને રાજકોટમાં કેમિકલના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે.
SOGના પીઆઇ વી.એસ. પટેલે જણાવ્યું હતું કે, બાતમીના આધારે અમે ગોડાઉનમાં રેડ કરી રૂપિયા 13,500ની કિંમતનું 180 કિલો ટોલ્યુઇન કેમિકલ, રૂપિયા 50,400 ની કિંમતનું 840 કિલો ઇથાઇલ એસીસેટ કેમિકલ તેમજ મોબાઇલ ફોન-1, કિં. 5000 રૂપિયા સહીત કુલ 68,900 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી ગોડાઉન માલિક કૃષ્ણકાંત પરીખની ધરપકડ કરી હતી. આરોપી અગાઉ પણ અંકલેશ્વર, રાજકોટ ભરૂચમાં કેમિકલના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે.