- રોકડ, મોબાઈલ ફોન, એક વાહન, બેગ, ગંજીપાના 15 બોક્સ, ફ્લેક્સ બોર્ડ, પ્લાસ્ટિકના સિક્કા સહિત કુલ 1,55,470નો મુદ્દામાલ જપ્ત કરાયો
નવરાત્રિનો પર્વ હવે પૂર્ણ થયો છે અને આગામી દિવસોમાં જ્યારે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે વડોદરા જિલ્લામાં ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સક્રિય થઈ છે. વડોદરા જિલ્લાના પાદરા પોલીસ મથક હદ વિસ્તારમાં SMCએ રેડ કરી 13 જુગારીને રંગેહાથ ઝડપી પાડ્યા છે. જ્યારે ત્રણ જુગારીને વોન્ટેડ જાહેર કરી પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેર-જિલ્લામાં અવારનવાર ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ સામે સ્થાનિક પોલીસ કાર્યવાહી કરતી હોય છે. પરંતુ કેટલીકવાર સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલતી કેટલીક પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ જોવા મળતી હોય છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ તેના પર નજર રાખી અને દરોડા પાડતી હોય છે. છેલ્લાં બે દિવસથી વડોદરા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે ધામા નાખ્યા છે. ત્યારે પાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ખુલ્લા ખેતરમાં જુગાર રમતા 13 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા છે, જેમાં રાજુ ઉર્ફે ઝુમરી મોહનભાઈ રાણા (મુખ્ય આરોપી, રહે- રાણાવાસ, પાદરા), હારુન ઉર્ફે જાવેદ રસિકભાઈ ગોરી (મુખ્ય આરોપીના ભાગીદાર, રહે- પાદરા), મહેશ નરહરિભાઈ ભાવસાર (રહે-પાદરા), ફિરોજ મહંમદભાઈ મલેક (રહે- પાદરા), ઈસ્માઈલ ગુલામ મોહમ્મદ મન્સુરી (રહે-યાકુબપુરા, બરોડા શહેર), ઈબ્રાહિમ શબ્બીર દિવાન (રહે- પાદરા), કિશોર મેલાભાઈ મકવાણા(રહે- વાઘાજીપુરા ગામ, જુના પાદરા રોડ), ઇલ્યાસ ઇબ્રાહીમ બટ્ટી (રહે- માસર, પાદરા ખાતે), ઈબ્રાહિમ હાજીભાઈ કોટી માસ્તર (રહે- વાડી, વડોદરા શહેર), હસન અહેમદભાઈ ગોરી (રહે- હસનપાર્ક સોસાયટી, પાદરા), નશીર રહીમભાઈ મલેક (રહે- પાદરા), ગણેશ બંશીલાલ પાટીલ (રહે- ગોકુલનગર, બરોડા શહેર)અને સતીશ ઉર્ફે કાલી રસિકભાઈ ખારવા (રહે-ન્યાય મંદિર, બરોડા શહેર)નો સમાવેશ થાય છે, જ્યારે સુરેશ અંબાલાલ પરમાર (નિવાસ- તોચ્યો વાગો, પાદરા.) સહિત બે મોબાઈલના માલિકને આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.
સ્ટેટ મોનિટરિંગ સેલે પાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ટોચ્યો વાગો ગામમાં સુરેશભાઈ પરમારના ખુલ્લા ખેતરમાં જુગાર રમતા 13 જુગારીને રંગેહાથ ઝડપી પાડયા છે. આ આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન,એક વાહન, બેગ, પાણીનો જગ,ગંજીપાના 15 બોક્સ, ફ્લેક્સ બોર્ડ, પ્લાસ્ટિકના સિક્કા સહિત કુલ રૂપિયા 1,55,470નો મુદ્દામાલ જપ્ત કરી વધું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.