- કારેલીબાગ ચેપીરોગ હોસ્પિટલમાં પણ રોજના 150 કેસ જોવા મળી રહ્યા છે
વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં હાલમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં અને કારેલીબાગ ખાતે આવેલ ચેપીરોગ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. આ સીઝનમાં ખાસ કરીને કમળો, ટાઇફોઇડ, ઝાડા-ઊલટી, તાવ જેવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ દર્દીઓની કતારો જોવા મળતી નજરે પડી રહી છે.
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં સરેરાશ 300 જેટલા રોજના દર્દીઓ આવતા હોય છે. જ્યારે કારેલીબાગ ચેપીરોગ હોસ્પિટલમાં 150 કેસ રોજના જોવા મળી રહ્યા છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની 178 ટીમો 300થી વધુ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં કોઈ દર્દી શંકાસ્પદ લાગે તો તેની સામે કામગીરી કરવામાં આવતી હોય છે.
આ અંગે ચેપીરોગ કારેલીબાગ હોસ્પિટલના નિષ્ણાત ડો. પ્રિતેશ શાહે જણાવ્યું હતું કે, હાલમાં અહીં 100થી 150 પેશન્ટનો રોજ રિપોર્ટ થાય છે. આ કેસોમાં મુખ્યત્વે કમળો, ટાઇફોઇડ, ઝાડા-ઊલટી અને તાવ જેવા દર્દીઓ સામે આવી રહ્યા છે. આપણી પાસે 50 બેડની કેપિસિટી છે, તેની સામે 40થી 45 પેશન્ટ દાખલ છે.
વધુમાં કહ્યું કે, આ સ્થિતિમાં બહારનો ખોરાક ખાસ ન લેવો જોઈએ. બહારના ખોરાકમાં પાણી ખરાબ હોવાથી આ સ્થિતિ ઉદ્ભવતી હોય છે. હાલમાં ઉનાળાની ગરમીને લઇ બહાર ફરવાનું ટાળવું જોઈએ. આવા રોગ સામે પ્રોપર ટ્રીટમેન્ટ અહીંયાંથી જ લેવી પડે અને જો બહાર થવાનું થાય તો લીંબુ પાણી કે છાશ રાખીને પી શકાય છે. મે થી શરૂ કરી સપ્ટેમ્બર સુધી 100થી વધુ ઓપીડી આવતી જ હોય છે અને બાદમાં ધીમે-ધીમે દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતો હોય છે.