આવડત વગરના શાશકો છાણીના લખોટી ગગડે એવા રોડ પર રોડ બનાવી રહ્યા છે..!

વડોદરાનો વિકાસ કોણ રૂંધે છે..?

MailVadodara.com - Rulers-without-skills-are-building-a-road-on-a-road-that-is-full-of-rubbish

- કમ્મર તોડ રોડ બનાવવાને બદલે રોડ પર રોડ બનાવવાની શાસકોમાં ગજબની આવડત..!

- રોડ પર રોડ બનાવવાથી પ્રજાના પરસેવાના રૂ.૨૦ કરોડ ફૂંકાઈ જશે..!!


- રૂ.૨૦ કરોડમાં ખખડધજ દાંડિયાબજાર રોડ અને જયરત્ન થી મોતીબાગનો રોડ લખોટી ગગડે એવો થઈ જાય...

વડોદરા શહેરના શાસકોની અણ આવડતના પાપે વિકાસ રૂંધાયો છે. રોડ પર બનાવવાની ગજબની આવડત ધરાતા શાસકો પ્રજાના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા વેડફી નાંખે છે. છાણીના લખોટી ગગડે એવા રોડ પર રોડ બનાવી શાસકો રૂ.૨૦ કરોડ ફૂંકી મારશે

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરાના શાસકોની આવડત સામે સવાલો ઉઠાવી ચુક્યા છે. તેમણે જાહેર મંચથી કહ્યું  હતું કે અમદાવાદ અને સુરતની વચ્ચે આવેલા વડોદરાનો વિકાસ થયો નથી એ ચિંતાનો વિષય છે. જો કે મુખ્યમંત્રીની ટકોર બાદ પણ શાસકો સુધરવાનું નામ લેતા નથી. તાજેતરમાં છાણીના મુખ્ય દ્વાર થી છાણી જુના જકાત નાકા સર્કલ સુધી નવો રોડ બનાવવાનું કામ હાથ ધર્યું છે. આ રોડ નો અંદાજિત ખર્ચ રૂપિયા ૨૦ કરોડ છે.  આ રોડ લખોટી ગગડે એવા રોડ પર પાલિકા રોડ બનાવી રહી છે.


સામાન્ય સંજોગોમાં જુના રોડ ને સ્ક્રેચ કરી નવો રોડ બનાવવામાં આવે છે જેના કારણે રોડ નું બાઇન્ડિંગ મજબૂત રહે અને ચોમાસામાં રોડ તૂટે નહીં. જો કે રોડ બની રહ્યો છે ત્યાં સ્પષ્ટ નજરે પડે છે કે ડામ્મર પર ડામ્મર ના થપેડા મારવામાં આવી રહ્યા છે. આ રોડની ગેરેંટી શું કે ચોમાસામાં રોડ ધોવાઈ નહીં જાય ?  શહેરમાં કમ્મર તોડ રોડ નવા બનાવવાનું છોડી, શાસકોને લખોટી ગગડે એવા રોડ બનાવવા અભરખા કેમ જાગે છે ? જે સામાન્ય નાગરિક સમજી શકે છે,એ સૂઝબુઝ સત્તાધીશોની સમજ બહાર છે ? વડોદરા શહેરના વિકાસ નો દાવો કરતા શાસકોએ દાંડિયાબજાર રોડ અને જયરત્ન બિલ્ડીંગ થી મોતીબાગ સુધી એકવાર બાઈક પર જવુ જોઈએ. અહીં નવાઈની વાત એ છે કે જ્યાં રોડ પર રોડ બની રહ્યો છે ત્યાં જઈ સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી ફોટા પડાવી ગર્વ લઈ રહ્યા છે. તો શું એમની દ્રષ્ટિએ રોડ પર રોડ બનાવવો યોગ્ય છે ? શું પાલિકાના શાસકોની અણ આવડતના પાપે વડોદરાનો વિકાસ રૂંધાઈ રહ્યો છે ?

Share :

Leave a Comments